પાલનપુરના વિદ્યાર્થીઓએ રૂ. ૩૬૬૦ની કિંમતનું સોંઘુ વેન્ટિલેટર બનાવ્યું!

Tuesday 14th April 2020 06:37 EDT
 
 

પાલનપુરઃ કોરોનાના ફેલાવાની સ્થિતિમાં કેટલાક દેશોમાં વેન્ટિલેટરની કમીને કારણે દર્દીઓ પર જીવનું જોખમ તોળાય છે. વેન્ટિલેટર ખૂબ મોંઘા હોવાથી તેની માત્રા હોસ્પિટલમાં મર્યાદિત હોય છે. જોકે પાલનપુર પોલીટેકનિક કોલેજના પ્રો. બ્રિજેશ પટેલ અને તેમના વિદ્યાર્થીઓ વસીમ મનેસિયા અને હિતેન પટેલે સોંઘા વેન્ટિલેટર બનાવ્યા છે જેની કિંમત હાલના વેન્ટિલેટર્સના પ્રમાણમાં ઘણી ઓછી છે. માત્ર રૂ. ૩૬૬૦ના ખર્ચે એક વેન્ટિલેટર ડિઝાઇન કરાયું છે.
વેન્ટિલેટર આ રીતે કામ કરશે
બેગ વાલ્વ માસ્ક (બી.વી.એમ.) જે અંબુ બેગ તરીકે ઓળખાય છે. જે સામાન્ય રીતે દર્દીને કૃત્રિમ શ્વાસ આપવા મેન્યુઅલી વપરાય છે. જોકે આ ઉપકરણમાં બેગ વાલ્વ માસ્ક ઓટોમેટિક ઓપરેટ થશે અને ડોકટર દ્વારા સ્માર્ટ ફોનથી કંટ્રોલ અને મોનીટરિંગ કરી શકાશે. દર્દીને આપવામાં આવતાં ઓક્સિજનની માત્રા આ મશીન ઓટોમેટિકલી દર્દીની શ્વાસ લેવાની ક્ષમતા મુજબ નક્કી કરશે અને જરૂર જણાય ઓક્સિજનની માત્રા ડોક્ટર તેમના રૂમમાં બેસીને જ મોબાઇલ દ્વારા મોનિટર કરી શકશે. આ વેન્ટિલેટર સામાન્ય રીતે એક મિનિટમાં ૧૨ બ્રિધિંગ સાઇકલ કરશે. જોકે દર્દીની અને જરૂરિયાત મુજબ ડોક્ટર આ બ્રિધિંગ વધારી કે ઘટાડી શકશે. આ વેન્ટિલેટર દ્વારા દર્દીને આપવામાં આવતાં ઓક્સિજનનું દબાણ, ફ્લો રેટ, રેસપીરેશન રેટ, મોબાઈલ દ્વારા મોનિટર થઇ શકશે અને જો દર્દીને આપવામાં આવતાં ઓક્સિજનનું દબાણ જરૂરિયાત કરતાં વધે અથવા ઘટે તો વેન્ટિલેટર સાથે કનેક્ટ મોબાઈલમાં એલાર્મ વાગશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter