પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જેઠાભાઈ ઠાકોર મજૂરી પર જીવે છે

Wednesday 31st July 2019 07:30 EDT
 
 

હિંમતનગરઃ કોઇને માન્યતામાં ન આવે તેવી કડવી વાસ્તવિક્તા બહાર આવી છે. પાંચ દાયકા અગાઉ ખેડબ્રહ્મા એસટી અનામત બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા ટેબડા ગામના ધારાસભ્ય જેઠાભાઇ ઠાકોર દારૂણ ગરીબીમાં જીવન વીતાવી રહ્યા છે. તેમની પાસે મૂડીમાં જર્જરિત કાચું મકાન અને બીપીએલ કાર્ડ છે! પાંચ દીકરા અને પુત્રવધૂઓ ગમે તેમ જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે.
સને ૧૯૬૭થી ૧૯૭૧ દરમિયાન ખેડબ્રહ્મા ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઇ ઠાકોરે સાયકલ પ્રવાસ કરી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોંગ્રેસના ઉમેદવારને ૧૭ હજાર મતથી હાર આપી હતી. સાયકલ પર ખેડબ્રહ્મા આવી એસટી બસમાં ગાંધીનગર વિધાનસભા જતા હતા. તેમના ધારાસભ્ય પદના કાર્યકાળ દરમિયાન દુકાળ પડતા તેમણે તળાવ અને રસ્તાના કામને પ્રધાન્ય આપ્યું હતું જેને આજે પણ પંથકની પ્રજા યાદ કરે છે. સાયકલ પર મત વિસ્તારનો પ્રવાસ કરી લોકોનાં સુખદુઃખ સાંભળનાર અને આંસુ લૂછનાર પ્રજાના પ્રતિનિધિનું આજે કોઇ સાંભળનાર નથી. પૂર્વ ધારાસભ્યો માટે વિશેષ આયોગ બનાવાયા બાદ પણ તેમની દરકાર લેવાઇ નથી કે પેન્શન મળતું નથી. ૮૫ વર્ષની ઉંમરે જેઠાભાઇ ઠાકોર દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે અને ચહેરા પર કોઇ મલાલ દેખાવા દેતા નથી. તેઓ ખુમારીથી કહે છે પાંચ દીકરા અને પુત્રવધૂઓ મજૂરીએ જાય છે અને જીવનનું ગાડું ગબડે જાય છે. વર્તમાન સમયમાં એકવાર ધારાસભ્ય બનનારા લાખ્ખો- કરોડો રૂપિયાની સંપતિના માલિક બનતા દેખાય છે. જ્યારે પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરનાર આ ધારાસભ્યની જીવનની મૂડી છે જર્જરિત કાચું મકાન અને એક બીપીએલ કાર્ડ! આના પરથી જ જણાઇ આવે છે કે પૂર્વ ધારાસભ્યએ પ્રામાણિકતા
અને નૈતિકતાને કેટલા અંશે જાળવી રાખી હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter