વડનગર: મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી હતી.
વડનગર મેડિકલ ટીમ દ્વારા કોવિડ પોઝિટિવ મહિલા અને નવજાત જોડિયા બાળકોની સારવારની ચેલેન્જ સ્વીકારી અને ત્રણેયને નવજીવન આપ્યું હતું. બ્રિચ (બાળક આડું થઇ ગયેલ હોય તેવી સ્થિતિ) હોવા છતાં ચેલેન્જ સ્વીકારી તબીબી ટીમે સફળ ઓપરેશન કર્યું હતું. વડનગરની હોસ્પિટલમાં ડો. પાલેકરની આગેવાની હેઠળની ટીમ દ્વારા સારવારમાં પહેલાં માતા કોરોનામુક્ત બની પછી બંને બાળકો સુવાસ અને સ્વરાને કોરોનામુક્ત કરાયાં હતાં.
તબીબોએ જણાવ્યું કે, બંને નવજાતને જંતુરહિત બાઉલમાં માતાનું દૂધ અપાતું હતું. પીપીઇ કિટ ધારણ કરીને આઇસીયુમાં રખાયેલાં બાળકોની સારવાર થતી હતી. અંતે કોરોનાગ્રસ્ત જોડિયા બાળકો દસ દિવસની સઘન સારવાર બાદ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય કરાયો હતો. ૨૬મી મેએ બાળરોગ નિષ્ણાતે બાળકોને કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું હતું. બંને બાળકોને મળવા માતા આતુર હોવાનું માતાએ જણાવ્યું હતું.