મા અંબાનાં ચરણોમાં સવા કિલો સોનું અર્પણઃ કોરોના કાળમાં સર્વ પ્રથમ મોટું દાન

Tuesday 06th October 2020 08:36 EDT
 
 

અંબાજીઃ મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ કર્યું છે. આ દાતા પોતાનું નામ જાહેર કરતા નથી, પણ તેઓ બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે. કોરોના કાળમાં આ સર્વ પ્રથમ મોટું દાન ગણાય છે. અંબાજીમાં જિણોદ્ધાર બાદ ૧૧૮ ફૂટ ઊંચું મંદિર બનાવાયું છે જેમાં ૧૪૦ કિ.ગ્રા. સોનું અને ૧૫૭૧૧ કિ.ગ્રા. તાંબાનો ઉપયોગ થયો છે. મંદિરને બનાવવામાં ૧૫ વર્ષનો સમય વીત્યો હતો. માતાજીની દેરી પર આશરે ૩૫ ફૂટ ઊંચું શિખર બનાવાયું છે. આઝાદી બાદ દાંતા ગુજરાતમાં ભળી જવાને કારણે વર્ષ ૧૯૫૮થી મંદિરના વહીવટ માટે ટ્રસ્ટની રચના કરાઈ હતી.
અત્યાર સુધીમાં ૧૪૦ કિલો સોનાનો વપરાશ થયો
૧૫ વર્ષના અંતે મંદિર કળશ સાથે ૧૧૮ ફૂટની ઊંચી માતાજી મંદિરના શિખરની કામગીરી સાથે એક મુખ્ય આબલસારો, ૬ ચોકીઓ બે ઘુમ્મટ (નૃત્ય અને સભા મંડપનો) સાથે નવ આબલસારા અને નવ કળશ મળી કુલ ૩૫૮ કળશનું પણ નિર્માણ થયું છે. માતાજીના શિખરને સુવર્ણમય બનાવવા તાંબાની પ્લેટો ઉપર એમ્બોઝ કરી સોનાનો ઢોળ ચડાવવા માટે કુલ ૧૫૭૧૧ કિલો ૭૨૪ ગ્રામ તાંબું અને ૧૪૦ કિ ૫૨૨ ગ્રામ ૮૪૦ મિ. ગ્રા. સોનાનો વપરાશ થયો છે. રાજકોટના ભક્ત તરફથી સોનું અર્પણ થતાં મંદિરના સુવર્ણકાર્યને વેગ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter