મુંદ્રા ડ્રગ્સ કૌભાંડનું આતંકી કનેક્શન ખુલ્લું થયું

Saturday 10th September 2022 05:02 EDT
 
 

અમદાવાદ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે અફઘાન ભાઈઓ મોહમ્મદ હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદને ભારતના અલગ-અલગ ભાગોમાં ડ્રગ્સની દાણચોરી કરતા કિંગપિન તરીકે ઓળખી કાઢયા છે. એનઆઇએના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા સપ્ટેમ્બરમાં મુંદ્રા પોર્ટ પરથી 2,988 કિલો હેરોઈન (કિંમત રૂ. 21,000 કરોડ) જપ્ત કરવાના કેસ સંદર્ભે અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરેલા પૂરક ચાર્જશીટમાં બંનેના નામ કિંગપિન તરીકે અપાયા છે. કોર્ટમાં રજૂ થયેલી પુરક ચાર્જશીટ ઘટસ્ફોટ કર્યો છે કે, ડ્રગ્સ માફિયાઓ અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથ્થો મંગાવીને પંજાબ, દિલ્હી, ગુજરાત, યુપી અને ભારતના અન્ય રાજયોમાં વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. ડ્રગ્સની દાણચોરીમાંથી મળેલી રકમને ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે વાપરવા માટે પાકિસ્તાન મોકલાતી હતી. અહેવાલ મુજબ, મુખ્ય આરોપી હસન દાદ અને હુસૈન દાદે અન્ય આરોપી જાવડ સાથે મળીને કાવતરું ઘડયું હતું, જે ઈરાની નાગરિક છે અને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરે છે. જાવદે ડ્રગ-લોડ કન્સાઇનમેન્ટ્સ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હુસૈન અને હસન પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો હિઝબુલ મુજાહિદ્દીન અને તહરીક ઉલ મુજાહિદ્દીન સાથે પણ કથિત રીતે જોડાયેલા છે. બંનેએ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ રાજ્યમાં ડ્રગ્સની દાણચોરી માટે કર્યો છે.
દિલ્હીના બિઝનેસમેનની ધરપકડ
દિલ્હીમાં અનેક બાર અને નાઈટક્લબનો માલિક હરપીત સિંહ ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માની એનઆઈએએ ધરપકડ કરી છે. સ્પેશયલ કોર્ટે બન્ને આરોપીને દસ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. એનઆઈએ દ્વારા હરપીત સિંહ ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માને કોર્ટમાં રજૂ કરીને જણાવ્યું હતું કે આરોપી પ્રિન્સ શર્મા મેસર્સ મેગન્ટ ઈન્ડિયાનો માલિક છે અને તે અફઘાનિસ્તાનથી ભારતમાં થોડા અંશે પ્રોસેસ થયેલું ટેલ્ક ડ્રગ્સ લાવવા માટે કબીર તલવારની સુચનાથી સંમત થયો હતો. આ સેમી પ્રોસેસ ટેલ્ક ડ્રગ્સ નવી દિલ્હીના ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter