મોદી વિરોધી દેખાવમાં ૧૪૦૦ કોંગીઓની અટક

Wednesday 14th December 2016 07:13 EST
 
 

પાટણઃ બનાસડેરીના ચીઝ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ૧૦મીએ ડીસા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પ્રજાને આપેલા વચનો યાદ દેવડાવવા પ્રદેશ કોંગ્રેસે વ્યાપક વિરોધ અને દેખાવો યોજ્યા હતા. જેને અટકાવવા પોલીસે સાત ધારાસભ્યો અને ૧૪૦૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપ સરકારના ઈશારે છેલ્લા ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, અમિત ચૌધરીએ શરૂ કરેલા દેખાવોને પોલીસે છાપી ખાતે અટકાવી ૩૦૦થી વધુ કાર્યકરો સાથે તેમની અટકાયત કરી હોવાનું પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
ડીસા-પાટણ હાઇવે પર ટાયર સળગાવીને હોબાળો
ડીસા-પાટણ હાઇવે પર ધરપડા નજીક ડીસાના ધારાસભ્ય ગોવાભાઇ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ પૂર્વ પ્રમુખ મફાજી ઠાકોર, ડીસા શહેર પ્રમુખ દીપક પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ સંજય દેસાઇ, પી. પી. ભરતિયા, જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડિયા સહિત ૨૦ જેટલા કાર્યકરોએ વડા પ્રધાનના કાર્યક્રમમાં લોકોને જતા અટકાવવા માટે રસ્તો રોકવા ટાયરો સળગાવ્યા હતા અને મોદીના વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
દાંતામાં કોંગ્રેસીઓએ રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
દાંતાની રતનપુર ચોકડી પાસે પણ કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઇ ચક્કાજામ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને માર્ગ ઉપર ટાયરો લાવીને રસ્તો અવરોધવાનો પ્રયાસ કરીને ટાયરોને આગ ચાંપતા દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં કોંગ્રેસના બે કાર્યકરોની અટકાયત કરાઇ હતી. જ્યારે શિહોરીમાં પોલીસે કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ઠક્કરને નવમીએ તેમના ઘરેથી ઉપાડીને નજરકેદ કર્યા હતા.
દીઓદરના કોંગીઓની ધરપકડ બાદ મુક્તિ
ડીસા આવેલા વડા પ્રધાનના કાર્યક્રમમાં કોઈ પણ કોંગ્રેસ આગેવાનો વિઘ્ન ન લાવે તેવા હેતુસર નવમીએ પોલીસે દીઓદરના કોંગ્રેસના આગેવાનોની આદર્શ હાઈસ્કૂલ પાસેથી ધરપકડ કરી લીધી હતી. જેમને ૧૦મી ડિસેમ્બરે બપોરેત્રણેક વાગ્યે દીઓદર મામલતદાર કચેરી ખાતે રજૂ કરાયા હતા અને ત્યાં જામીન આપી મુક્ત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter