રાધનપુરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇન બોલ્યા ‘કેમ છો?’

Wednesday 28th November 2018 06:12 EST
 
 

રાધનપુરઃ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રયાસોથી ગુજરાતના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇને તાજેતરમાં રાધનપુરની મુલાકાત લીધી હતી. સર્વોદય આંખની હોસ્પિટલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં જ્યોફ વેઇનનું સાંતલપુરના મીઠાના અગરિયાઓ દ્વારા ઓર્ગેનિક મીઠું આપી, સાલ ઓઢાડીને તેમજ આ વિસ્તારની ભરતકામ કરતી બહેનોએ ભરતકામના આકર્ષક નૂમના આપીને સન્માન કરાયું હતું.
વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. સહયોગ એજ્યુકેશન ટ્રસ્ટ, એકતા ટ્રસ્ટ, મિલન ટ્રસ્ટ, સદભાવ ટ્રસ્ટ, સહારા ટ્રસ્ટ સહિત વિવિધ ટ્રસ્ટ અને સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું. ઠાકોર સેનાના કાર્યકરોએ તલવાર આપી અને સાફો પહેરાવીને જ્યોફ વેઈનનું સન્માન કર્યું હતું.
અલ્પેશ ઠાકોરે કાર્યક્રમમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના પીવાના પાણી, બેરોજગારી, આરોગ્ય અને સિંચાઈના પ્રશ્નો રજૂ કર્યા હતા. ‘કેમ છો?’ના સંબોધન પછી જ્યોફ વેઇને કહ્યું કે, બ્રિટિશ સરકાર અને બ્રિટિશની વિવિધ કંપનીઓને આ બાબતે રજૂઆત કરીશ અને આ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું કે, હું વારંવાર જ્યોફ વેઇનને મળ્યો છું અને આ વિસ્તારના પ્રશ્નો અંગે માહિતગાર કરવા માટે તેમને અહીં લઈને આવ્યો છું.
આ વિસ્તારની બહેનોની હાથ બનાવટની વિવિધ કળાઓને રજૂ કરીને વિદેશોમાં ઊંચા દામ મળે તેવા મારા પ્રયાસો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter