રામાયણના ‘નિષાદ રાજ’ ચંદ્રકાન્ત પંડ્યાનું નિધાન

Thursday 28th October 2021 05:59 EDT
 
 

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાન્ત પંડયાનું ૭૮ વરસની વયે ૨૧ ઓક્ટોબરે મુંબઇમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વિવિધ બીમારીઓ સામે લડી રહ્યા હતા. ચંદ્રકાન્ત પંડયાના નિધનના સમાચાર રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપ્યા હતા.
ચંદ્રકાન્ત પંડયાનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થયો હતો. એક બિઝનેસમેન પરિવારમાંથી આવતા ચંદ્રકાન્ત પંડ્યાનો પરિવાર ગુજરાતથી મુંબઇમાં સ્થાયી થયો હતો. ચંદ્રકાન્ત પંડયાએ ટીવી શો ઉપરાંત ઘણી ગુજરાતી ફિલ્મોમાં મહત્ત્વના રોલ કર્યા હતા.
ડીસા તાલુકાના ભીલડી ગામના વતની અને ૫૦ વર્ષથી મુંબઈ સ્થાઇ થયેલા ગુજરાતી અભિનેતા ચંદ્રકાંતભાઈ પંડ્યાનું ૭૮ વર્ષે મુંબઈ ખાતે નિધન થતાં તેમના ચાહક વર્ગમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. તેમણે રંગમંચથી કેરીયરની શરૂઆત કરી હતી અને ગુજરાત ફિલ્મોમાં સ્થાન જમાવીને ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે અસંખ્ય ફિલ્મો કરી છે. જેમાં માનવીની ભવાઈ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. મહીયરની ચૂંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ રહી છે. રામાનંદ સાગરની રામાયણમાં નિષાદ રાજની ભૂમિકાએ તેમને દેશમાં ખ્યાતિ અપાવી હતી. તેને હિન્દી સિરિયલો અને આઠ જેટલી હિન્દી ફિલ્મો પણ કરેલી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને બાબલાભાઈ કહીને સૌ કોઈ બોલાવતા હતાં. ચંદ્રકાંત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઊભો કર્યો હતો. જુવાનીના જેર ફિલ્મમાં હીરો તરીકે તો આ ઉપરાંત મહિયરની ચૂંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાતળી પરમાર સહિત ૧૦૦થી વધુ ફિલ્મો, રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરીને ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ચંદ્રકાંત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter