રૂ. ૧૦૦ની નવી ચલણી નોટમાં યુનેસ્કોમાં સ્થાન પામેલી રાણ કી વાવ છપાશે

Wednesday 18th July 2018 08:45 EDT
 
 

ઈન્દોરઃ રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાબુંડિયો હશે અને તેના પર ઐતિહાસિક રાણ કી વાવ છપાશે. આકારમાં તે જૂની ૧૦૦ની નોટથી થોડી નાની અને ૧૦ની નોટથી સામાન્ય વધારે હશે. જોકે, નવી નોટ જાહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં ચાલુ રહેશે. ૧૦૦ની નવી નોટોનું પ્રિન્ટિંગ બેંક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગયું છે. નોટની નવી ડિઝાઈનને અંતિમરૂપ મૈસૂરના એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું છે, જ્યાં ૨૦૦૦ની નોટ છપાય છે. નવી નોટના પ્રિન્ટિંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ થશે.
મૈસૂરમાં જે શરૂઆતી નમૂના છપાયા હતા, તેમાં વિદેશી શાહી વપરાઈ હતી. દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે પ્રોટોટાઈપ (નમૂના)થી એકદમ રંગ મેળવવામાં શરૂઆતમાં તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે. નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની ૧૦૦ની નોટોના એક બંડલનું વજન ૧૦૮ ગ્રામ હતું, ત્યારે સાઈઝ નાની થવાથી નવી ૧૦૦ની નોટોના બંડલનું વજન ૮૦ ગ્રામની આજુબાજુ હશે. આરબીઆઈની મહોરનું દેવાસ બેંક નોટ પ્રેસમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. આરબીઆઈ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં તે જાહેર કરી શકે છે.
રાણ કી વાવને વર્લ્ડ હેરિટેજ સ્થાન
ગુજરાતની પાટણ સ્થિત રાણ કી વાવનો યુનેસ્કોના ૨૦૧૪માં વિશ્વ વિરાસત સ્થળમાં સમાવેશ કરાયો હતો. વાવ વર્ષ ૧૦૬૩માં ગુજરાતના શાસક ભીમદેવ સોલંકી પ્રથમની સ્મૃતિમાં તેમની પત્ની રાણી ઉદયમતિએ બનાવી હતી. છેલ્લી સદીમાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા તે શોધી કાઢ્યા પહેલા લગભગ ૭૦૦ વર્ષ સુધી આ વાવ સરસ્વતી નદીમાં દબાયેલી રહી હતી.
નવા સુરક્ષા ફીચર
નવી નોટમાં સામાન્ય સલામતી ફિચરની સાથે ૧ ડઝન નવા સૂક્ષ્મ સલામતી ફિચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જ જોઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter