વડનગર: ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો તાજેતરમાં મળી આવ્યા છે. સંશોધકોએ ૨૪મી મેએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન સમાધિ અવસ્થામાં સાતમી-આઠમી સદીનું બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર તેમજ ત્રીજી-ચોથી સદીનો સાંકેતિક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. જોકે, હાડપિંજર બૌદ્ધ સાધુ કે કોઇ સામાન્ય વ્યક્તિનું છે તેની વિગત ડીએનએ પછી જાણી શકાશે. જ્યારે સાંકેતિક સ્તૂપ પરથી કોઈ અવશેષ મળ્યા નથી તેની ઉપર ડૂમ પણ નથી.
વડનગરમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા વર્ષ ૨૦૦૫થી ઉત્ખનન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ઘાસકોળ દરવાજા, અમરથોળ દરવાજા વિસ્તારમાંથી સંપૂર્ણ સ્તૂપ મળી આવ્યા છે. તો તારંગા ટેમ્પલ વિસ્તારમાંથી પણ અનેક સ્તૂપ અને ગુફાઓ મળી આવી છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા વડનગરમાં પુન: ૧૭ મેથી ઉત્ખનન હાથ ધરાયું છે.
જેમાં સારેગામા સર્કલ પાસે ખોદકામ દરમિયાન સમાધિ અવસ્થામાં સાતમી-આઠમી સદીનું બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર મળી આવ્યું છે.
આ હાડપિંજર કોનું છે તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાશે તેમ પુરાતત્ત્વ વિભાગે જણાવ્યું હતું. ઉપરાંત, ત્રીજી-ચોથી સદીનો ૨-૨ મીટરનો બૌદ્ધ સ્તૂપ પણ મળી આવ્યો હોવાનું જણાવ્યું છે.