વૈશાખી પૂનમે અંબાજીમાં વનવાસીઓએ શ્રદ્ધાથી બાધા પૂરી કરી

Wednesday 17th May 2017 08:56 EDT
 
 

અંબાજીઃ વૈશાખી પૂનમના દિવસે એટલે કે ૧૦મી મેએ યાત્રાધામ અંબાજી અસંખ્ય શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું. બનાસકાંઠા સહિત રાજસ્થાનના વનવાસીઓ માટે મહત્ત્વની આ પૂનમને કારણે અંબાજી ધામ વનવાસીઓથી ઉભરાઈ જતાં જાણે મેળા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો. વનવાસીઓએ તેમની કામના, બાધા અને આખડીઓ પૂરી કરીને મા અંબાજીને ભોગ ધરાવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા વનવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વૈશાખી પૂનમ અને વેકેશનના સમન્વયને કારણે યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગો વિવિધ વાહનોથી ઉભરાઈ જવા પામ્યા હતા. વહેલી સવારથી મા અંબાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ વૈશાખી પૂનમનું બનાસકાંઠાના દાંતા-અમીરગઢ સહિત રાજસ્થાનમાં વસતા વનવાસી ગરાસિયા કબિલાઓમાં વિશેષ મહત્ત્વ અને બાધા-આખડી પૂર્ણ કરવાના મહત્ત્વને કારણે વહેલી સવારથી ભાતીગળ પોષાકમાં સજ્જ વનવાસીઓથી અંબાજીમાં ભારે આકર્ષણ સર્જાયું હતું. વનવાસીઓએ વિવિધ રૂઢિગત વાજિંત્રોની સુરાવલી અને પ્રાચીન નાચગાન સહિત મા અંબિકાને આસ્થાનો ભોગ ધરાવતાં અંબાજીમાં આકર્ષણ જમાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter