મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ વખતે મોકલવામાં આવેલા સાગર દાણના કેસમાં સાક્ષી તરીકે હાજર ખાસ સરકારી વકીલે કરેલી અરજીની સુનાવણી બાદ અદાલત દ્વારા વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવાની ભલામણ કરનાર શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને છ ઓક્ટોબરના રોજ હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
દૂધસાગર ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ વખતે સાગરદાણ મોકલવામાં આવ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવા ગેરરીતિ આચરીને ડેરીને ટ્રાન્સપોર્ટેશન સહિત ડેરીને રૂ. 22 કરોડથી વધુનું નુકસાન કર્યું હતું. જ્યારે તેમની નિમણૂક કરવા માટે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રના કૃષિ મંત્રીને ભલામણ પત્ર લખ્યો હોવાની હકીકત સામે આવી હતી.


