સંત સદારામબાપાની ૯ કિ.મી. લાંબી પાલખી યાત્રા બાદ અંતિમ સંસ્કાર

Wednesday 22nd May 2019 07:33 EDT
 
 

કાંકરેજઃ કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામબાપુ કેટલાક દિવસોથી બીમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મેના રોજ તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઈ જવાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સંત સદારામબાપાની છત્રછાયા ગુમાવનારા લાખો ભાવિકોએ ૧૫મી મેએ ભીની આંખે બાપાને વિદાય આપી હતી. સદારામબાપુનો જન્મ લગભગ ૧૧૧ વર્ષ પહેલા ટોટાણા ખાતે મોહનજી ઠાકોર અને માતા લખુબાઈને ત્યાં થયો હતો. એકવીસ વર્ષની વયે તેમણે સત્સંગનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે સ્વયં રચેલા પદોની અસરથી બે લાખ લોકોએ સ્વેચ્છાએ વ્યસનોને ત્યજ્યા છે. મંગળવારે અંતિમ શ્વાસ લીધા બાદ વહેલી સવારે ૭ વાગે ટોટાણાં આશ્રમથી પૂજ્ય બાપાની પાલખી યાત્રા ખારિયા ગામ થઈ થરા ગામમાં આવી હતી. જ્યાં અવિસ્મરણીય જનમેદની વચ્ચે પાલખી યાત્રા થરાની પ્રદક્ષિણા કરી પરત ટોટાણા પહોંચી હતી. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ચંનના કાષ્ટથી ૫-૩૦ કલાકે બાપુના નાનાભાઈ દાસભાઈના હસ્તે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પરબતભાઈ પટેલ, અમિત ચાવડા, શશીકાંત પંડ્યા, અલ્પેશભાઈ ઠાકોર, ચંદનજી ઠાકોર, જગદીશબાઈ ઠાકોર સહિતના આગેવાનો અને હજારો ભક્તો હજાર રહી ભીની આંખે બાપાને વિદાય આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter