સિદ્ધપુરના કોંગી ધારાસભ્યએ કાર રોકનાર જવાનને ગાળો બોલીને લાફો માર્યો

Monday 27th April 2020 15:41 EDT
 
 

સિદ્ધપુરઃ કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ૨૨મી એપ્રિલે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા માટે કાર રોકી હતી. જેથી અહમને ઠેસ પહોંચી હોય તેમ ઉશ્કેરાયેલા ધારાસભ્યે જવાનને બેફામ ગાળો ભાંડી અને લાફો ઝીંકી દીધો હતો.
ધારાસભ્યએ જોકે એવું જણાવ્યું કે, ટીઆરબી જવાને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો, મેં કોઇ ગાળો બોલી નથી. દરમિયાન, ધારાસભ્ય અને તેમના પુત્ર વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ચંદનજી ઠાકોરના ટીઆરબી જવાન સામેના બીભત્સ વાણી વર્તન એ અશોભનીય અને નિંદનીય છે. તેમણે કોરોના વોરિયર્સનું અપમાન કર્યું છે. તેમજ સેવા અને માનવતાનું પણ અપમાન કર્યું છે.
બહારના જિલ્લાની કાર હોવાથી રોકી
ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે જણાવ્યું કે, હું ધારાસભ્યને ઓળખતો ન હતો અને બહારના જિલ્લાની નંબર પ્લેટ ધરાવતી ગાડી હોવાથી ફરજના ભાગરૂપે કાર ઉભી રખાવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. ગાડી રોકાઈ તે તેમને પસંદ પડ્યું નહોતું. તેમણે મને મનફાવે તેમ ગાળો બોલીને મને લાફો મારી દીધો હતો, જેથી મેં પણ સામે ઊંચા અવાજે વાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter