સેસણ હત્યાકાંડના ૭૦ આરોપીઓનો નિર્દોષ છૂટકારોઃ

Saturday 14th February 2015 05:57 EST
 

વર્ષ ૨૦૦૨માં ગોધરા કાંડ સમયે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સેસણ ગામમાં પણ કોમી રમખાણ થયા હતા. જેમાં ૧૬ વ્યકિતઓના મોત થયા હતા. જે પૈકી ૨ જણાના પોલીસ ફાયરીંગમાં મૃત્યુ થયા હતા. અંગે તપાસ બાદ વધુ ૭૦ વ્યકિતઓની સંડોવણી બહાર આવી હતી. જેનો કેસ ગત સપ્તાહે દિયોદરના એડી.સેસન્સ જજ સમક્ષ ચાલી જતાં કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

સૌરઊર્જા દ્વારા સિંચાઈથી ખેતીમાં આર્થિક લાભઃ મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના વરવાળા ગામમાં ખેડૂતોએ સોલાર પ્લાન્ટની મદદથી એક વીઘામાં માત્ર રૂ. ૩૦માં સિંચાઈની સગવડ મેળવી છે. ખેતીમાં સિંચાઈના પરંપરાગત સ્ત્રોત ખેડૂતોને ખૂબ મોંઘા પડે છે. આ સ્થિતિમાં સોલાર પ્લાન્ટથી સિંચાઈ ખેડૂતોને ખૂબ વાજબી ભાવે પડે છે. ધરોઈ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ખેંચવા વરવાળામાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા. તેનું સંચાલન સિંચાઈ મંડળી કરે છે. પ્લાન્ટમાંથી વીજળી ઉત્પન્ન કરી આ વીજળીનો ઉપયોગ કેનાલમાંથી પાણી ખેંચવા માટે થાય છે. અત્યારે ૧૦૦ વીઘાથી વધુ જમીનમાં આ સિંચાઈથી ખેતી કરવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતો ડીઝલ મોટરથી પિયત કરતા હતા જે એક વીઘાએ રૂ. ૫૦૦થી ૬૦૦માં પડતું હતું. જેની સામે સૌરઊર્જાથી આજ સિંચાઈ માત્ર રૂ. ૩૦માં પડે છે. ખેડૂતોએ વીજળી ખર્ચમાં આવતી બધી બચત જોતા ઘરોઈ સિંચાઈ વિભાગને સોલાર પ્લાન્ટ નાખવાની માગ કરી હતી. જેના પગલે સરકારે ૮૦ ટકા ગ્રાન્ટ આપી અને ગામની પિયત મંડળીએ ૨૦ ટકા એટલે કે રૂ. ૨૩ લાખ જેટલી રકમ એકઠી કરી આ પ્લાન્ટ નાખ્યો હતો. જેમાંથી ૬ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે. વાતાવરણને અનુરૂપ અને સૌરઊર્જાનું સિંચાઈ માટે મદદરૂપ થવું ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter