મહેસાણા: જિલ્લામાં ત્રાટકેલા તીડના ટોળાંએ ૧૩મીએ વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાંખ્યા હતાં. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી ૨૫ લાખ જેટલા તીડનો નાશ કરી નાંખ્યો હતો. ત્રણેક દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુર તાલુકાના ગામોમાં આતંક મચાવનારા તીડનું મોટું ઝૂંડ ૧૩મીએ રાત્રે અને ૧૪મીની મળસ્કે વિજાપુર તાલુકાના ખરોડ ગામની સીમમાં સ્થિર થયું હતું. જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ રવિવારે વહેલી સવારે જિલ્લા પંચાયતના જેટિંગ મશીન સાથે ખરોડ પહોંચી ગઈ હતી. ત્યાં તીડનાં ટોળા પર નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આશરે ૨૫ લાખ જેટલા તીડનો આતમો બોલાવી દેવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, અન્ય એક તીડનું ઝૂંડ વિજાપુર તાલુકાના રામપુરા કોટ ગાામમાં થઈને સાબરકાંઠાના ઇડર તાલુકાના એકલારા અને દેશોતર ગામ તરફ ફંટાઈ ગયું હતું. જેને લઈને મહેસાણા ખેતીવાડી વિભાગે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગને એલર્ટ કરી તીડના ઝૂંડ વિશે સતત માહિતગાર હોવાનું જણાવ્યું હતું.