ગાંધીનગરઃ રાજયભરમાં સતત પાંચ દિવસ પડેલા વરસાદને કારણે જનજીવન ગંભીર રીતે અસર પામ્યું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છના ૨૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, બનાસકાંઠાના તમામ તાલુકામાં ૧૦૦ ટકા કરતા વધુ અને સૂઇગામ-વાવ પંથકમાં તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વણસી છે. ભારે વરસાદને પગલે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પણ સચિવાયલમાં કેબિનેટ મીટિંગ રદ કરીને મહેસાણા, પાટણ, બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. જયારે બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૪ ટીમ અને નવ હેલિકોપ્ટર તૈનાત કરાતા ૫૦૦થી વધુ નાગરિકોનો બચાવ થયો છે. આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા ચાર લાખથી વધુ ફૂડ પેકેટેસનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારે પૂરમાં જે નાગરિકોના મોત થયા છે તેમના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય અને અસરગ્રસ્તોને કેશડોલ્સ પેટે રોકડ રકમ ચુકવવાનો આદેશ મુખ્ય પ્રધાને કર્યો છે. તેમણે પૂરથી ઘરવખરી, ખેતી, જાનમાલનું જે નુકશાન થયું છે તેનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં એનડીઆરએફની ૧૪ ટીમોએ ભાભર, દિયોદર, ડીસા, થરાદ, વાવ વિગેરે વિસ્તારમાં બચાવની કામગીરી હાથ ધરતા ૨૪૮થી વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. બનાસકાંઠામાં હજુ વધુ એન.ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ૧૮૦ બીએસએફના જવાનોએ પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી છે.