ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ૨૮મી જુલાઈથી વરસાદનું જોર ઘટ્યું છે અને આ વિસ્તારમાં રાહતકાર્યોનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે કુદરતે પોતાનું કાર્ય કર્યું હવે આપણે આપણાથી બનતું કાર્ય કરવાનો વારો છે. પૂરના કારણે બનાસકાંઠા-પાટણ પંથકમાંથી ૬૬થી વધુ મૃત્યુઆંક સાથે ચાલુ ચોમાસે વરસાદને કારણે રાજ્યમાં ૨૧૩થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાણી અને રોગચાળોથી બચાવા સરકારે ૧.૧૨ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થયાનું જાહેર કરાયું છે.
પૂરમાંથી એક જ કુટુંબની ૧૫ લાશ
કાંકરેજ તાલુકાના ખારિયા ગામના એક જ પરિવારના ૧૫ લોકોની લાશો ૨૬મી જુલાઈએ મળી આવતાં આરેરાટી વ્યાપી ગઈ હતી. ૬ ભાઈઓ સહિત ૧૫ જણાનો પરિવાર અહીં છાપરામાં રહેતો હતો. ૨ દિવસ પૂર્વે ૧૦ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતાં તેઓ તણાઈ ગયા હતા. રાહત કામગીરી દરમિયાન તમામ લોકોની લાશો રૂની નદીમાં મળી આવી હતી. મૃતકોમાં ૭ પુરુષ, ૬ મહિલા, ૨ બાળકો સામેલ હતા. મૃતકોના મૃતદેહ પીએમ માટે થરા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાય પણ નદીના પટમાંથી વધુ ૮ લોકોની લાશ મળી આવી હતી. ધાનેરા તાલુકામાં પૂરથી અત્યાર સુધી ૧૬ લોકોનાં મોત થયાનું બહાર આવ્યું હતું.
૧૬ હજારથી વધુને બચાવાયા
ઉત્તર ગુજરાતમાં આર્મી, એનડીઆરએફ સહિતની જુદી જુદી ટીમે ૧૬ હજારથી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે ૮૨૫થી વધુને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા હતા. બનાસકાંઠામાં અતિવૃષ્ટિ બાદ સોમવાર સુધી મોટાભાગના રસ્તાઓ બંધ હતા. રાજ્યમાં ૨૭મી જુલાઈ સુધી ૮૭૪થી વધુ માર્ગ બંધ રખાયા હતા અને ૨૭મીએ ૪૭૬માંથી ૧૧૧ ગામોમાં જ અંધારપટ હતો. સોમવારથી ફસાયેલા નાગરિકોનો સંપર્ક હવે રાબેતા મુજબનો હોવાથી તેમનું સ્થળાંતર કે તેમને રાહત સામગ્રી પહોંચાડવાનો રસ્તો પણ સરળ બન્યો છે.
૬૬ મૃતદેહોને બહાર કઢાયા
પૂરના પાણી ઓસર્યાં પછીના ચોથા દિવસે ૨૭મી જુલાઈએ ઉત્તર ગુજરાતમાંથી કુલ ૬૬ મૃતદેહો મળ્યાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ દ્વારા અપાયા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના એક રિપોર્ટ પ્રમાણે, પાટણમાં ૪૬૨ અને બનાસકાંઠામાં ૨૭૬૯ પશુ મૃતદેહોનો નિકાલ ૩૧મી જુલાઈ સુધીમાં કરાયો છે. ઉત્તર ગુજરાતનાં થરા, કાંકરેજ, સમી હારિજ ધાનેરા જેવા બનાસનદીના પટ આસપાસના તાલુકાઓમાં તેમજ આસપાસનાં વિસ્તારોમાંથી ગાય, ભેંસ સહિતના પાળતુ પશુઓ સહિતના ૩૧૨૧ મૃત ઢોરનો ખાડા કરીને નિકાલ કરાયો છે. સતત પલળેલી હાલત અને ભૂખ્યાપેટે રહેલા નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતા આ વિસ્તારોમાં રોગચાળાની ભીતિ છવાઈ છે. જ્યારે પૂરગ્રસ્તો માટે દેશ વિદેશમાંથી રાહત સામગ્રી રોજેરોજ પહોંચી રહી છે.
વિરમગામ પાંજરાપોળમાં ૩૦૦ પશુનાં મોત
વિરમગામમાં આવેલા ખોડાઢોર પાંજરાપોળમાં ૪૫૦૦ જેટલા ગૌવંશ સહિતના પશુઓ છે. વીરપુર વાડમાં રખાયેલા આ પશુઓમાંથી એક જ અઠવાડિયામાં ત્રણસોથી વધુનાં મોત થયા છે. હાલમાં પણ સોથી વધુ પશુઓ બીમાર છે અને મરણ પથારીએ પડ્યા છે.
તાપીના ડોલવણમાં ૨૪ કલાકમાં ૧૦ ઇંચ
તાપી જિલ્લાના ૭ તાલુકામાં ૨૮મી જુલાઈએ ૧૦ ઈંચ સુધીનો વરસાદ પડતાં નદી-નાળા છલકાયા હતા. કપરાડામાં ૩ કલાકમાં ૮.૦૫ ઈંચ વરસાદ પડ્યો હતો. વઘઈ ૭.૬ વાપી ૫, ધરમપુર ૪, વલસાડ ૪, ચીખલી ૪, સાપુતારા ૪, સુબીર પંથક ૩.૫, આહવા ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં તાલાલા ૨, વેરાવળ, સુત્રાપાડા, ઉના અને સિહોરમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાં પડ્યા હતા. અમદાવાદ, ગાંધીનગરમાં ૨૭મી જુલાઈએ ભારે વરસાદને કારણે ૨૫મી જુલાઈએ શાળા કોલેજો તથા ઓફિસોમાં પણ રજા જાહેર કરાઈ હતી.
ગાંધીનગરમાં ૧૧ ઈંચ
૨૭મી જુલાઈએ ગાંધીનગર શહેર, કલોલ, દહેગામમાં ભારે વરસાદ શરૂ થયો હતો. કલોલમાં ૨૮મી જુલાઈ સુધીમાં ૧૩ ઈંચ વરસાદના કારણે શહેર અને આસપાસના ગામોની સ્થિતિ જળબંબાકાર હતી. ગાંધીનગર શહેરમાં ૨૭મીએ ૧૧ અને તાલુકામાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો એટલું જ નહીં દહેગામ તાલુકામાં પણ સાત ઈંચ વરસાદથી ગામોમાં પાણી ભરાયા હતા. સાબરમતી નદીમાં પાણી આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સ્થળાંતરની સૂચના આપી હતી. ૨૮મી જુલાઈએ આવેલા સરકારી અહેવાલો પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે ગાંધીનગરમાં મોસમનો સો ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદ જળબંબાકાર
૨૬મી જુલાઈથી ચોવીસ કલાકમાં અમદાવાદમાં અનરાધાર ૭ ઈંચ વરસાદ વરસી જતાં નીચાણવાસ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં. પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હોડીમાં બેસી નવા નિકોલ, નરોડા, મુઠિયા વિસ્તારોની મુલાકાત લીધી હતી. ૨૭મીએ પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ-મોરબી જિલ્લામાં ભારે વરસાદ હતો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે ૧,૦૦૦થી વધુ સોસાયટીઓમાં અતિ પાણી હતાં.
કોંગ્રેસના MLA રિસોર્ટમાં
રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે ૨૮મી જુલાઈએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિપક્ષી નેતાઓ પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પૂર બાદ સ્થિતિ ખરાબ છે ત્યાં આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો નાગરિકોની મદદ કરવાને બદલે પ્લેનમાં ઊડીને ફાઈવ સ્ટાર રિસોર્ટમાં વરસાદની મજા
માણી રહ્યા છે.


