હિંમતનગરઃ રાજ્યમાં કચ્છનો કેટલોક વિસ્તાર વરસાદ ન થતાં પહેલી ઓક્ટોબરથી દુકાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં મોડે મોડે પણ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી અને સાવરકુંડલામાં વીસમીથી બે દિવસ ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડ્યા પછી ૨૨મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાંજે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.
ડાયે વાવાઝોડાની અસર
ઓરિસ્સા પર ત્રાટકેલા ‘ડાયે' વાવાઝોડાએ દક્ષિણ-પૂર્વના રાજ્યો પરથી પસાર થતાં નબળું પડીને હવાના હળવા દબાણમાં રૂપાંતરિત થયું હતું. આ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઇ ૨૨મી સપ્ટેમ્બર, શનિવારે ગુજરાત પરથી પસાર થતાં રાજ્યના કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ પડ્યો હતો. ચોમાસાની વિધિવત વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે એવા સમયે ઓચિંતા ખાબકેલા વરસાદથી ખેડૂતોને આંશિક રાહત થઇ હતી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં શનિવારે ઢળતી સાંજે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાવાઝોડું ફુંકાયું હતું અને વરસાદી માહોલ ઊભો થયો હતો. શહેરના અનેક ઠેકાણે સૂસવાટા મારતા પવનના લીધે વૃક્ષો ઉખડી પડ્યા હતા.
ભાદરવો ઉત્તર ગુજરાતમાં ભરપૂર વરસતાં ૨૩મી સપ્ટેમ્બરે રવિવારે અરવલ્લીમાં ૨૪ કલાકમાં હિંમતનગરમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડયો હતો. ભિલોડામાં સાત ઈંચ વરસાદ થતાં મેશ્વો ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી મેશ્વો નદી કિનારાના ૧૮ ગામોને એલર્ટ કરાયા હતા. શનિવારે જ ઈડરમાં છ ઈંચ જ્યારે મોડાસા, મેઘરજ અને વિજયનગરમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો.
ભિલોડામાં રવિવારે બપોરે બે જ કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતાં મેશ્વો જળાશયમાં ૧૮ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેના કારણે ડેમ ભરાઈ જતાં ઓવરફ્લો થઈ જતાં મેશ્વો નદીમાં પુર આવી શકે તેમ હોય તંત્રએ નદી કિનારાના ૧૮ ગામોને એલર્ટ કરી દીધા હતા. ભિલોડામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતો.
ઉત્તર-મધ્યમાં મેઘમહેર
સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી સહિતના પંથકમાં વીસમીથી ધીમી ધારે વરસાદ પછી ભારે વરસાદ પડ્યો હતો. એ પછીના દિવસોમાં ૨૨મી સપ્ટેમ્બરે ગાંધીનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
મધ્ય ગુજરાતમાં ૨૨મીએ ગોધરા, શહેરા, જાંબુઘોડામાં શનિવારે ત્રણ ઈંચ, ક્વાંટ- છોટાઉદેપુર અને દાહોદ પંથકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત અન્ય તાલુકામાં ઝાપટાંથી લઈ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં ૧૨, વડાલીમાં ૧૨, વિજયનગરમાં ૧૫, પ્રાંતિજમાં ૬ મીમી, મોડાસામાં ૩૫ મીમી, માલપુરમાં ૧૫, બાયડમાં ૨૧, ધનસુરામાં ૫, ભિલોડામાં ૧૮, મેઘરજમાં ૧૨ મીમી, ખેરાલુમાં ૧૦ અને વડગરમાં ૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.


