ઉત્તરાયણમાં ધાબા પર માત્ર ૫૦ લોકોને મંજૂરીઃ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રદ

Tuesday 05th January 2021 10:47 EST
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં માંડ ઘટાડો નોંધાયો છે ત્યારે તહેવારમાં લોકો ફરી સંક્રમિત ન થાય તે માટે રાજ્ય સરકારે ઉત્તરાયણમાં ધાબા પર ૫૦થી વધુ લોકોને ભેગા નહીં થવાની જાહેરાત કરી છે. જોકે લોકોમાં એ રોષ જરૂર જણાય છે કે, રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ ભીડ ભેગી કરીને ત્યારે સરકાર કેમ ચૂપ છે? અમદાવાદમાં રામદેવનગર સ્થિત સંસ્થા - સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરતા ૩જી જાન્યુઆરીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણમાં એક અગાશી પર ૫૦થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં છતાં ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરાશે. તેમણે હૈયાધારણ આપી હતી કે, રાજયના તમામ નાગરિકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રદ
કોરોના મહામારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ધામધૂમથી નહીં કરવાનું ૪થી જાન્યુઆરીએ જાહેર કર્યું છે. દાહોદમાં ૨૬મી જાન્યુઆરીએ માત્ર ધ્વજવંદનના કાર્યક્રમ થશે તેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે મોટેભાગે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હાજર રહેશે. એટ હોમ જેવો મહત્ત્વનો પ્રોટોકોલ - કાર્યક્રમ તથા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ આ વખતે નહીં યોજાય. જોકે પ્રધાનો વતનના જિલ્લા મથકે ધ્વજવંદન કરાવી શકશે, પણ ભીડ ભેગી નહીં કરી શકે. કયા પ્રધાન ક્યાં ધ્વજવંદન કરાવશે, તેનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે. રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં આ અંગે આંતરિક પરિપત્ર બહાર પાડશે એવું ચોથીએ જાહેર કરાયું હતું.
રાજ્યના શહેરોમાં ૯ને બદલે ૧૦ વાગ્યાથી કર્ફ્યૂ
દિવાળી પછી કોરોના સંક્રમિતોનો વિસ્ફોટ થતાં રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૯:૦૦થી સવારે ૬:૦૦ વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો. ૩૦મી ડિસેમ્બરે આ નિમયમાં ફેરફાર સાથે જાહેર કરાયું હતું કે, ૨૦૨૧ના આરંભે ૧લી જાન્યુઆરીની રાતથી કર્ફ્યૂ ૧૦:૦૦ વાગ્યાથી અમલમાં આવશે. મુખ્ય પ્રધાને રાત્રિ કર્ફ્યૂના સમયમાં ૧૪ જાન્યુઆરી સુધી એક કલાકના ઘટાડાનો અમલ કરવા ૩૦મી ડિસેમ્બરે સાંજે નિર્ણય જાહેર કર્યો હતો. ઉત્તરાયણ પૂર્વે રાજ્યમાં મહદઅંશે પતંગ - દોરીના બજારો રાતે ધમધમતા હોય છે. આ નિર્ણયથી દોરી પતંગના વેપારીઓ તેમજ દૂરના વિસ્તારોમાંથી ખરીદી માટે જતા નાગરિકોને આંશિક રાહત થશે. તદ્ઉપરાંત સિનેમાના સાંજે ૬:૦૦ વાગ્યાના ઈવનિંગ શો પણ થઈ શકશે. આ એક કલાકના ઘટાડાથી હોટેલ- રેસ્ટોરાં પણ રાતે ૧૦:૦૦ વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે.
આઠ મહિનામાં સાયબર ચિટિંગના હજારો ગુના
કોરોના કાળમાં નેટ બેંકિંગ અને ઈ-ટ્રાન્ઝેક્શન વધ્યાં છે. રોકડ વ્યવહારોમાં ઘટાડો નોંધાયો છે તો સાયબર ચિટિંગના ગુનામાં પણ ૪૧૭ ટકાનો તોતિંગ વધારો થયો છે. કોરોનાના આઠ જ મહિના દરમિયાન ગુજરાતમાં ઈ-ચિટિંગના ૧૬૫૦૩ ગુના નોંધાયા છે. તાજેતરમાં બેંકર્સ કમિટી અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં ચર્ચા થઈ કે, વર્ષ ૨૦૨૦માં લોકોએ રૂ. ૬૩ કરોડ ગુમાવ્યા છે તેમાંથી રૂ. ૬ કરોડ પરત લાવી શકાયાં છે.
પોલીસે માસ્કનો કુલ રૂ. ૧૨૫ કરોડ દંડ વસૂલ્યો
પોલીસે માસ્ક વગરના લોકો પાસેથી કુલ રૂ. ૧૨૫ કરોડથી વધુનો દંડ વસૂલ્યો હોવાનું ચોથીએ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાંથી પોલીસે કુલ રૂ. ૫.૮૯ કરોડ દંડ વસૂલ્યો હતો. અમદાવાદમાં રવિવારના દિવસે ૩૫૭૫ લોકોએ રૂ. ૩૫.૭૦ લાખ દંડ ચૂકવ્યો હતો. શહેરવાસીઓએ કુલ રૂ. ૨૦ કરોડથી વધુનો દંડ ચૂકવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter