ગોંડલઃ ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે રહેતા ચમાર દલિત વસરામ બાલુભાઇ સરવૈયા, રમેશ બાલુભાઇ, બાલુભાઇ હીરાભાઇ, અશોક બીજલભાઇ, બેચરભાઇ ઉગાભાઇ તેમજ કુંવરબેન બાલુભાઇ એક મૃતક ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે પોતાને ગૌ રક્ષક નામે ઓળખાવનારા પ્રમોદગીરી રમેશગીરી (સીમર), બળવંત ધીરુભાઇ (ઉના), નાગજી આહિર (બેડીયા) કેટલાક માણસો સાથે ત્યાં પહોંચ્યા અને આ દલિતોને ગાડીમાં બેસાડીને ઉના બસ સ્ટેશન પાસે લઈ ગયા હતા. એ પછી ગાડી સાથે બાંધીને જાહેરમાં તેમને લોખંડની પાઈપ, લાકડીઓ અને છરીથી માર માર્યો હતો. આ બનાવની જાણ દલિત સમાજના આગેવાનોને થતાં ઇજાગ્રસ્તોને સરકારી દવાખાને લઈ જવાયા અને તેમને સારવાર અપાઈ હતી. આ બનાવથી દલિત સમાજ રોષે ભરાયો અને રાજ્યમાં દેખાવ થવા લાગ્યા હતા. સોમવારે સાત યુવાનોએ તથા મંગળવારે નવ યુવાનોએ ઝેર પી લેતાં મામલો વધુ ગરમાયો છે. તેમાં રાજકીય રંગ પણ ઉમેરાતાં કોંગ્રસે સામાજિક ન્યાય પ્રધાન રમણ વોરાનું રાજીનામું માગ્યું છે તો આમ આદમી પાર્ટી દ્વારા પણ દેખાવની તૈયારીઓ શરૂ થઈ છે. દરમિયાન, દલિતો પર હુમલા બાદ આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર સંગીતા ચાંડપાએ ઉનામાં મામલતદાર કચેરી પાસે જાહેર સભામાં બ્રહ્મસમાજની લાગણી દુભાય તેવું ભાષણ આપતાં સૌરાષ્ટ્રના બ્રાહ્મણ સમાજના આગેવાનોએ વિરોધ કરીને સંગીતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાની કારનો ઉપયોગ
દલિતોને માર મારવા બદલ આગેવાન વશરામ બાલુ સરવૈયાએ ૬ શખસો સામે ૧૭મી જુલાઈએ ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરીને આરોપીઓને સખત સજાની માગ કરી હતી. બનાવમાં ઝડપાયેલી કારનો કબજો આરોપી પ્રમોદગીરી રમેશગીરી સીમરવાળાની હોવાનું ખૂલ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ ઉના તાલુકા ગૌરક્ષક દળના કાર્યકર હોવાનું જણાવ્યું હતું. જોકે આ બનાવમાં વપરાયેલી કાર ઉપર શિવસેના પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા લખ્યું હતું. તે અંગે સૌરાષ્ટ્રના શિવસેનાના પ્રમુખ જીમી અડવાણીએ કહ્યું હતું કે, ગીર જિલ્લામાં શિવસેના હોદ્દેદારોની નિમણૂક જ કરી નથી. શિવસેનાનું નામ ખોટું લેવાયું છે.
કુલ ૧૬ દલિતોએ ઝેર પીધું
આરોપીઓને સજાની માગ સાથે ૧૮મી જુલાઈએ સવારે ગોંડલમાં પાંચ અને સાંજે જામકંડોરણામાં બે દલિતોએ જાહેરમાં ઝેરી દવા પીધા પછી ૧૯મી જુલાઈએ પણ વધુ સાત દલિતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ૧૯મીએ બાંટવામાં ૩ યુવાનોએ ઝેરી દવા પીધી હતી જ્યારે સાંજે બિલિયાળામાં બે દલિતોએ એસિડ પીધો. બંનેને સારવાર માટે રાજકોટ લવાયા હતા. સાંજના સમયે કેશોદમાં વધુ બે દલિત યુવાનોએ દવા પીધી હતી. ૧૯મીએ અમદાવાદમાં દલિત પેન્થર રેલીમાં પણ દલિત યુવકે આત્મવિલોપનની કોશિશ કરી હતી. ખંભાળિયામાં પણ દલિત યુવાન હેમંત સોલંકીનું દવા પીવાથી મોત થયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૧૬ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
આરોપીઓને સજાની માગ
કહેવાતા ગૌ રક્ષકો દ્વારા સમઢીયાળી ગામે દલિત યુવાનો પર અત્યાચારના મામલે ગોંડલ દલિત મેઘવાળ સમાજનાં અને પાલિકાના કોંગ્રેસ સદસ્ય અનિલ માધડ, રાજેશ પરમાર, રમેશ પારધી, જગદીશ રાઠોડ તેમજ ભરત સોલંકી દ્વારા આરોપીઓને પાસામાં ધકેલવાની માગ સાથે પગલા નહીં લેવાય તો આત્મહત્યાની ચીમકી અગાઉ જ આપાઈ હતી. જેના પગલે ૧૮મીએ ખટારા સ્ટેન્ડ કડિયા લાઈન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સવારે ૧૧ કલાકે એક કાર પૂરઝડપે દોડી આવી અને તેમાંથી પાંચ યુવાનો ઉતરી ઝડપથી બોટલ ગટગટાવી ગયા હતા.
આ ઘટના બાદ સાંજે ગોંડલમાં અમૃત પરમાર, કિશોર સોલંકી તેમજ સંજય સોલંકી સહિતના મિત્રો મોબાઈલ પર સમઢીયાળી ગામની ઘટનાની ક્લિપ જોતાં અમૃત અને કિશોર ભાવુક થઈ ગયા હતા. મિત્રો છૂટા પડયા પછી સાંજે બંને દલિત સમાજના સ્મશાને મિત્રને ફોન કરીને કહ્યું કે, બંનેએ ઝેર પીધું છે. મિત્રો તુરંત સ્મશાને ગયા અને બંનેને સારવાર માટે ગોંડલ લાવ્યા હતા. તબીબે બંનેની હાલત ગંભીર હોવાનું જણાવતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.
તોડફોડના બનાવો
રાજકોટ-ગોંડલ હાઈવે પર ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ તેમજ સોરઠિયા વાડી સર્કલ પાસે ચક્કાજામ કરતા એસ.ટી. દ્વારા રૂટ બદલાયા
હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દલિતોના ટોળાં વળતા પોલીસ કાફલાની જરૂર પડી હતી. હોસ્પિટલ ચોક બંધ થઈ ગયો હતો અને ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સ્થિતિ સુધરે તે પહેલાં જ પારડી શીતળા માતાજીના મંદિરે હજાર કરતાં પણ વધુ દલિતોના ટોળાએ ચક્કાજામ કર્યો હતો અને વાહનોને અટકાવીને તોડફોડ કરાઈ હતી. ૨૦મીએ અરવલ્લી, મહેસાણા તથા પાટણ જિલ્લામાં પણ દલિતો દ્વારા દેખાવો થયા હતા અને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત ૨૦મીએ ગુજરાતમાં દલિતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
દબાણ વગર નિષ્પક્ષ તપાસ થશે
દલિતોને માર મારવાની ઘટનાના કારણે ઉનાના પીઆઈ સહિત ચાર પોલીસ સસ્પેન્ડ થયા છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આ અત્યાચાર કેસની નિષ્પક્ષ તપાસ થાય એ માટે સીઆઈડી ક્રાઈમને સોંપવાનો નિર્ણય લીધો છે. એટલે કે કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને, ટ્રાયલ સ્પેશિયલ ડિઝિગ્નેટેડ કોર્ટમાં ચાલશે.
મુદ્દો સંસદમાં ઉઠ્યો
કેન્દ્રમાં સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ૧૯મીએ રાજ્યસભામાં બસપાના સાંસદોએ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.


