અમદાવાદ: ચાલુ વર્ષે ઓછા વરસાદને લીધે રાજ્યના ડેમોમાં હવે ઝાઝુ પાણી રહ્યું નથી. આ કારણોસર ગુજરાતમાં પાણીની તંગી સર્જાઇ શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ય હવે તો માત્ર ૪૪ ટકા જ પાણી રહ્યુ છ. હજુ તો ઉનાળો બાકી છે ત્યારે ડેમો સૂકાવવા માંડયાં છે. ઉનાળો કાઢવો ભાજપ સરકાર માટે પડકારસમાન પ્રશ્ન બની રહેશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પણ ગુજરાતને ફાળવવામાં આવતાં પાણીમાં કાપ મૂક્યો છે જેથી ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી ફાળવવામાં આવશે નહીં. આ તરફ, માત્ર નર્મદા ડેમ જ નહીં, પણ રાજ્યના ૨૦૪ ડેમોમાં માત્ર ૪૮.૬૩ ટકા જ પાણી રહ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ડેમોમાં પાણીની સ્થિતી ચિંતાજનક રહી છે. અમરેલીમાં ડેમોમાં ૧૫.૦૯ ટકા, જૂનાગઢમાં ૨૩.૧૨ ટકા, પોરબંદરમાં ૨૧ ટકા, સુરેન્દ્રનગરમાં ૩૩,૫૮ ટકા, રાજકોટમાં ૪૫ ટકા,બોટાદમાં ૨૪ ટકા પાણી છે. મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ ૭૦ ટકા છે જયારે બાકીના વિસ્તારમાં પાણીનો સંગ્રહ ૫૦ ટકાથી ઓછો રહ્યો છે. નર્મદા ડેમમાં અત્યારે ૪૧૮૨.૪૧ ક્યૂસેક મીટર પાણી બચ્યુ છે એટલે કે,૪૪.૨૧ ટકા પાણી છે.


