ઉમરગામમાં કુલ ૨૮ ઇંચ વરસાદ: ૧૦ તાલુકા સાવ કોરા ધાકોર!

Tuesday 05th July 2016 13:54 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રીજી જુલાઈથી સોમવારની સવાર સુધીમાં થયેલા વરસાદથી રાજ્યનું વરસાદી ચિત્ર બદલાયું છે. વરસાદની ટકાવારી ૫.૭૨ ટકાથી વધીને ૧૦.૪૨ થઈ છે. ઉપરાંત સરેરાશ વરસાદ ૪૫.૬૩ મિ.મી. વધીને ૮૩.૦૪ ટકા જેટલો થયો છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ કચ્છ, ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતનું ચિત્ર એકંદરે નબળું છે.
જોકે સોમવાર સુધી ૧૦ તાલુકા સાવ કોરા હતા. બીજી બાજુ દક્ષિણના ઉમરગામ તાલુકામાં ૨૮ ઇંચ વરસાદ થયો છે! રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં ૫૦ મિ.મી. સુધીનો, ૭૦ તાલુકામાં ૫૧થી ૧૨૫ મિ.મી., ૪૩માં ૧૨૬ થી ૨૫૦ મિ.મી., ૧૪માં ૨૫૧થી ૫૦૦ મિ.મી. વરસાદ થયાનું નોંધાયું છે.
જોકે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદે ખેડૂતોમાં રાહતની લાગણી જન્માવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ ૫ મિ.મી.થી ૧૪૮ મિ.મી. વરસાદ થયો છે, પણ બાકીના પાંચ જિલ્લાઓમાં ૮૭ મિ.મી.થી (ત્રણ ઇંચથી વધુ) માંડીને ૬૯૫ મિ.મી. (૨૮ ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. વાપી જિલ્લામાં સરેરાશ ૬ ઈંચ, સુરત જિલલ્માં આઠ, નવસારીમાં ૯, વલસાડમાં ૧૬ ઇંચ અને ડંગમાં સાડા છ ઇંચ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ થયો છે. અહીંના ૧૧ જિલ્લાઓનું વરસાદી ચિત્ર જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરમાં સરેરાશ બે ઇંચ, રાજકોટમાં મોરબીમાં અઢી-અઢી ઇંચ, જામનગરમાં બે ઇંચ, દ્વારકામાં પોણા બે ઇંચ, પોરબંદરમાં ત્રણ, જૂનાગઢમાં સરેરાશ ૪, અમરેલીમાં સાડા છ ઇંચ, ભાવનગરમાં ૬ ઇંચ, બોટાદમાં ચાર ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૩૦૩ મિ.મી. વરસાદ ઉના તાલુકામાં અને સૌથી ઓછો પાંચ મિ.મી. વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં નોંધાયો છે. કચ્છમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉ.ગુમાં સવા ઇંચ જયારે પૂર્વ-મધ્યમાં પોણા બે ઇંચ વરસાદ થયો છે. અબડાસા, ભાભર, કાંકરેજ, સૂઈગામ, મહેસાણા, કલોલ તાલુકાની સ્થિતિ રેઇન ગેજમાં શૂન્ય છે. જયારે ૧૧ તાલુકામાં ૨થી ૯ મિ.મી. જેટલો નહિવત વરસાદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter