અમદાવાદઃ કવિવર ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા દિલ્હીમાં સિવિલ લાઈન્સમાં આવેલા શાહ ઓડિટોરિયમમાં ૨૩મી જુલાઈએ ‘ગીત અમે ગોત્યું ગોત્યું...’ નામે સંવાદસભા કાર્યક્રમ હતો. કાર્યક્રમના આરંભે ગુજરાતી સાહિત્ય અકાદમી નિર્મિત ઉમાશંકર જોશીનું વૃત્તચિત્ર દર્શાવાયું હતું અને મંગળદીપ પ્રજ્વલન સાથે વિધિવત કાર્યક્રમનો પ્રારંભ કરાયા પછી કવિને અંજલિ આપતાં તેમનાં જ ગીતો પર કથક ડાન્સર આશા પારેખ અને અન્ય કલાકારોએ સમૂહનૃત્ય રજૂ કર્યું હતું. દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિક પંડ્યાએ સ્વાગત ઉદ્બોધનમાં વિષ્ણુ પંડ્યાના જીવનસંઘર્ષ અને સિદ્ધિનો પરિચય આપ્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્ય તેમજ સાહિત્યકારો વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી ભાષાના પ્રભાવ તેમજ ગુજરાતીઓની નોંધપાત્ર ભૂમિકાના તેમણે ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીને દિલ્હીના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીના મહત્ત્વના પ્રદાનની સાથોસાથ મેઘાણી, શ્રીધરાણી, અખો, માણભટ્ટ વગેરેના પ્રદાનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન નેશનલ બુક ટ્રસ્ટના ગુજરાતી સંપાદક ભાગ્યેન્દ્ર પટેલે કર્યું હતું. સંસ્થાના ઉપપ્રુખખ શંભુ વેદ અને સહમંત્રીઓ, કારોબારી સભ્યો તથા અન્ય હોદ્દેદારો તથા ગુજરાતી અગ્રણીઓ જગદીપ રાણા, વિનોદ પટેલ, મહેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા.


