અમદાવાદઃ ઊંઝાથી ઉમિયા માતાજીના દિવ્ય રથે સાતમી સુધીમાં આશરે રૂ. ૪૦૦ કરોડનું ફંડ સામાજિક પ્રવૃત્તિથી ભેગું કર્યું હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. માતાજીનો રથ રોજના ૫૦ લાખ જેટલું દાન એકત્રિત કરે છે. આગામી ૨ વર્ષ સુધીમાં આશરે રૂ. ૮૦૦ કરોડ ભેગા કરશે. જૂન મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો અમેરિકાના ૨૬ રાજ્યમાં જન જાગૃતિ કાર્યક્રમ કરશે.
અમેરિકાના વિવિધ રાજ્યમાં ઉમિયા માતાજીના ૯ મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. ૨૦૨૦માં ઉમિયા માતાજીનો રથ વિદેશમાં ભ્રમણ કરશે તેવું સંગઠનના ચેરમેન ડીએમ ગોલે જણાવ્યું હતું. નવરાત્રીના પ્રથમ નોરતે નીકળેલા રથે અત્યાર સુધીમાં રોજનાં ૫૦ લાખથી વધુ રકમ ભેગી કરી છે. માતાજીના રથનું અત્યાર સુધીમાં શહેરમાં અઢી લાખથી વધુ લોકોએ સ્વાગત કર્યું છે.
મુખ્ય સંયોજક આર પી પટેલ અને સી કે પટેલ તેમજ સંગઠનના ચેરમેન ડી એમ ગોલના જણાવ્યા અનુસાર વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જાસપુર ખાતે માતાજીના મંદિરનું ૪ માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે લાખો લોકો ઉપસ્થિત રહ્યા હતા. માત્ર અમદાવાદ - ગાંધીનગરમાં ૧૩ લાખ લોકો સુધી રથ પહોંચ્યો છે.
મંદિરની વિશેષતા
• માતાજીનું સ્થાન જમીનથી ૩૫ ફૂટ ઉપર હશે. એસ્કેલેટર લિફ્ટ અને સીડીની સુવિધા હશે.
• વિશ્વકક્ષાના ઉમિયાધામ મંદિરનો પ્રોજેક્ટ ખર્ચ રૂ. ૧ હજાર કરોડ થશે
• પાટીદાર સમાજનું મ્યુઝિયમ, સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, આરોગ્યધામ, એનઆરઆઈ ભવન, હોસ્ટેલ હશે.
• મંદિરનું શિખર ૮૦ મીટર ઊંચુ, લંબાઈ ૬૦ મીટર, શિખર પર ૭૦ મીટરની ઊંચાઈ હશે.
• વ્યૂ ગેલેરીમાંથી શહેરના દર્શન થઈ શકશે.
• ગર્ભગૃહમાં ૫ હજારથી વધુ લોકો દર્શનનો લાભ લઇ શકશે.
• ૩ હજાર કાર અને ૫ હજાર ટૂ-વ્હીલર વાહન પાર્કિંગ સુવિધા થશે.


