ઉમિયાધામમાં નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરે શિલાપૂજન કરતા સદ્ગુરુ

Saturday 11th June 2022 16:42 EDT
 
 

અમદાવાદઃ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન ઉમિયાધામમાં વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું. સાથોસાથ અભિભાવક રૂપે સદગુરુજીએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
લંડનથી શરૂ થયેલી અને વિશ્વના અનેક દેશોમાં પસાર થયેલી Save Soil યાત્રા અનુસંધાને સદગુરુ ગયા મંગળવારે વહેલી સવારે વિશ્વ ઉમિયાધામ પધાર્યા હતા. સદગુરુએ ભક્તોને સંબોધતાં વર્તમાન પરિસ્થિતિમાં માટીને કેવી રીત સુરક્ષિત રાખી શકાય કે જેથી આવનાર પેઢીઓને સારો ખોરાક અને જીવન મળે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું સદગુરુ જગત જનની મા ઉમિયાના ફેબ્રુઆરી 2020માં યોજાયેલા શિલાન્યાસ પ્રસંગમાં આવવાના હતા, સંજોગોવશાત્ કાર્યક્રમ બદલતા તેઓ આવી શક્યા નહોતા, પરંતુ સેવ સોઈલની યાત્રા અમદાવાદથી પસાર થતી હોઈ સદગુરુએ માતાજીના આશીર્વાદ લેવા અને શિલાપૂજન કરવા માટે ઈચ્છા દર્શાવી હતી. જેના ભાગરૂપે તેઓ વિશ્વ ઉમિયાધામ પધાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter