ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિશ્નને જાહેર કર્યું છે કે, ઊંઝા અને તલાળા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ૨૩મી એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે જ થશે, જ્યારે માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકોની પેટાચૂંટણી હમણાં નહીં થાય. અહીં નોંધવું રહ્યું કે, ઊંઝા બેઠક ઉપરથી આશાબહેન પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયાં છે જ્યારે તલાળા બેઠક ઉપર ભગાભાઈ બારડ ખનિજ ચોરીના કેસમાં નીચલી અદાલતના ચુકાદાને પગલે ધારાસભ્યપદેથી ડિસ્ક્વોલિફાય જાહેર થયા છે. તેમની બેઠક અંગે જોકે વાટાઘાટો ચાલુ છે. માણાવદર બેઠક અને ધ્રાંગધ્રા બેઠક ઉપરથી કોંગી ધારાસભ્યો તરીકે અનુક્રમે જવાહર ચાવડાએ તથા પરસોત્તમ સાબરિયાએ ૯મી માર્ચે આપેલા રાજીનામા કેન્દ્રીય ચૂંટણી પંચમાં પહોંચ્યા ના હોઈ આ બેઠકોની પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ યોજાશે, એમ ડો. મુરલી ક્રિશ્નને ઉમેર્યું હતું.
દિલ્હીમાં દેશના ચીફ ઈલેક્શન કમિશનર સુનિલ અરોરાએ એવું જણાવ્યું હતું કે, ૯મી માર્ચ સુધી ખાલી પડેલી વિધાનસભા બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે. આ બાબત ધ્યાને લેતાં ૯મી માર્ચે માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકો ખાલી પડી હતી, પરંતુ આ બેઠકોની ચૂંટણી હમણાં નહીં બાદમાં યોજાશે એવી સ્પષ્ટતા પંચની ગુજરાત કચેરી તરફથી થઈ છે.

