ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની ચિરવિદાય

Wednesday 25th November 2026 04:47 EST
 
 

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યવિશ્વના વિરલ સર્જક કવિ રાજેન્દ્ર શુક્લનું રવિવારે 84 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન થયું. તેમના દેહાવસાન સાથે જ ગુજરાતી કવિતા અને ગઝલક્ષેત્રે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અવાજ મૌન થયો છે. સાહિત્યવિશ્વમાં કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે જેમની ઓળખ તેમની રચનાથી નથી થતી, પરંતુ તેમની સમગ્ર જીવનસાધના એક સાહિત્યિક પરંપરા બની જાય છે. રાજેન્દ્ર શુક્લ આવું જ વ્યક્તિત્વ હતા. બે-ત્રણ દિવસથી હૃદયસંબંધિત તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજેન્દ્ર શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં થયું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા હતા. એલ.ડી. આર્ટ્સ કોલેજથી 1965માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે બી.એ. તથા 1967માં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને બધો જ સમય કાવ્યસર્જન, અધ્યયનને સમર્પિત કર્યો હતો.
સાહિત્ય સાધનાને સન્માન
• 1970: ‘કોમલ રિષભ’ માટે ગુજરાત સરકારનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક, રમેશ પારેખ સાથે સંયુક્ત સન્માન
• 1980-81: ‘અંતરગાંધાર' માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક • 1981: કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક • 1981: ‘અંતરગાંધાર' માટે ગુજરાત સરકારનું કાવ્યસંગ્રહ પારિતોષિક • 2001: કલાપી એવોર્ડ • 2005: નરસિંહ મહેતા એવોર્ડ
• 2006: રણજિતરામ સુવર્ણચંદ્રક
• 2007: ‘ગઝલસંહિતા' માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર • 2008: નર્મદ સુવર્ણચંદ્રક અને • 2009: વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

•••

સ્વ. રાજેન્દ્ર શુક્લની મશહૂર રચનાઓ
• મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.
છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે...!
• આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.
માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું...
• કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કે, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે...?
• ઘેનની પ્યાલી પાય છે કડી, ક્યાંક મને લઈ જાય છે કેડી.
શોધતાં આખી જિંદગી લાગે, આંખમાં જો અટવાય છે કેડી,
કોક ત્રિભેટે થઈશું ભેળાં, લો હવે ફંટાય છે કેડી.
• ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર,
આપે તરવા આપ-સમંદર, ચેત મછંદર!
ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter