એ હાલો... વર્ચ્યુઅલી ગરબે રમીએ રે...

- ખુશાલી દવે Monday 12th October 2020 06:34 EDT
 
 

કોરોનાના સંક્ટ વચ્ચે ગુજરાત સરકારે નવરાત્રી માટેના મોટા આયોજનો માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. તબીબી તજજ્ઞોના માનવા પ્રમાણે નવરાત્રીમાં ઓછા લોકો મળે તો કોરોનાના ફેલાવા પર રોક લાગે. આ બધા વચ્ચે આ વખતે કલાકારો રાજ્ય સહિત દેશ-વિદેશમાં પ્રત્યક્ષ હાજર રહીને પર્ફોર્મ કરી શકે તેવી સ્થિતિ નથી તો કલાકારોએ ઓનલાઈન અને વર્ચ્યુઅલ નવરાત્રીની ઉજવણી જેવો સલામત રસ્તો શોધ્યો છે. 

નવરાત્રીમાં ગરબા રમવાની ઈચ્છા થાય, પણ આ વખતે શક્ય હોય તો ઘરમાં રહો અને માનસિક ગરબા રમો. દર વખતની સરખામણીએ કલાકાર જગતને આ નવરાત્રીમાં કોરોનાના કારણે સારી આર્થિક કમાણી મળી શકે તેમ નથી, પણ એ સ્વીકારવું પણ રહ્યું કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી. તેથી કલાકારોએ વર્ચ્યુઅલી પર્ફોર્મ કરીને બની શકે તેટલું મહેનતાણું મેળવવું જોઈએ. સ્ટેજ પરથી લાઈવ પર્ફોર્મન્સ અને નજર સામે ગરબે ઘૂમતા લોકો જેવા માહોલની સંતુષ્ટી વર્ચ્યુઅલ પર્ફોર્મન્સમાં ન મળે, પણ જો આ પ્રકારનું કંઈ જ સંભવ નથી ત્યારે વર્ચ્યુઅલી નવરાત્રીની મજા માણવી જોઈએ. કલાકારો વર્ચ્યુઅલી પર્ફોર્મ કરે અને ઘર પરિવારના લોકો ઘરમાં, ઘરના ગાર્ડનમાં, અગાસીમાં ગરબા રમી શકે. લોકડાઉન પછી અમારી ટીમે કોરોના માટેની ગાઈડલાઈન અનુસરીને ફેસબુક, યુ - ટ્યૂબ પર વર્ચ્યુઅલ કોન્સર્ટ કર્યાં જ છે અને એ સફળ પણ રહ્યાં છે તો નવરાત્રી પણ વર્ચ્યુઅલ કરવી હિતાવહ છે.

- ડો. કેદાર ઉપાધ્યાય
મ્યુઝિક ડિરેક્ટર અને આયુર્વેદિક ડોક્ટર

લોકડાઉનમાં અમે સંગીતના ઘણા વર્ચ્યુઅલ કાર્યક્રમો કર્યાં જે સફળ પણ રહ્યાં. કલાકારોને અને દર્શકોને - શ્રોતાઓને પણ ઓનલાઈન - વર્ચ્યુઅલ પ્રોગ્રામ માફક આવ્યાં છે. આ વખતે પ્રિ-રેકોર્ડેડ નવરાત્રી માટે ઘણી સંસ્થાઓ સાથે ચર્ચા થઈ. કહેવાય છે કે ન મામા કરતાં કાણો મામો સારો એ ન્યાયે વર્ચ્યુઅલ નવરાત્રીમાં લોકોને લાઈવ ગરબા જેવી મજા ન આવે, પણ જેટલું માણવા મળે એટલું આપવા અમારા આખા મ્યુઝિકલ ગ્રૂપે ગરબાનું ઓડિયો - વીડિયો રેકોર્ડિંગ કર્યું છે. જે શેર કરતાં લોકો પોતાના ઘરે જ બાલ્કની કે ટેરેસમાં ગરબા રમી શકે - ગાઈ શકે. કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને અમે ત્રણ તાળી, બે-તાળી ગરબા, હીંચ, સનેડો, રાસ, ભાઈ-ભાઈ, રણઝણિયું, ગાડી વગેરે સાથે નવરાત્રીનાં નવ દિવસના માતાજીનાં દરેક સ્વરૂપનું વર્ણન, આરતી-થાળનું ઓડિયો - વીડિયો પેકેજ તૈયાર કર્યું છે જે વર્ચ્યુઅલી શેર કરતાં લોકો નવરાત્રીનું મહત્ત્વ પણ સમજે અને ગરબે પણ રમી શકે. આ ઉપરાંત બંગાળમાં દુર્ગાપૂજાનું ખૂબ મહત્ત્વ છે. તે માટેનું ઓડિયો-વિઝ્યુઅલ બનાવીને તે પણ શેર કરવાનું આયોજન છે. જાતને સલામત રાખવા ઘેર બેઠાં ગંગાનો આ વર્ચ્યુઅલ કોન્સેપ્ટ અપનાવી આપણે ઘરમાં માતાજીના સ્થાપન – આરાધના દ્વારા આ ઉત્સવને રંગેચંગે ઘરે જ મનાવી વાતાવરણને હળવું રાખવા પ્રયત્ન કરવો જોઈએ. નવરાત્રીમાં જે સ્પોન્સરશિપ આપતા હોઈએ તે રૂપિયાનો ઉપયોગ આ વખતે જરૂરિયાતમંદોને સહાયમાં કરવો જોઈએ. આખરે એક જ વાત કે ‘સર સલામત તો પઘડીયાં બહોત’ તેથી વર્ચ્યુઅલ નવરાત્રી માણવી જ આ વર્ષે હિતાવહ છે.

- માયા દીપક
સ્વરકાર, ગાયિકા

આ વર્ષે નવરાત્રી ભલે વર્ચ્યુઅલ હોય, પણ તેનો ઉત્સાહ દર વખત જેવો જ જળવાઈ રહે એ માટે કલાકારો અને લોકો ઘણા પ્રયત્ન કરી રહ્યાં છે. વર્ચ્યુઅલ શોઝ, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને ગાઈડલાઈનને ફોલો કરીને નાના પાયે ગેધરિંગ યોજીને નવરાત્રી ઉજવવા માટે ઘણાં પ્રયત્નો થઈ રહ્યાં છે. એક બે નવરાત્રી આયોજકોએ કંઈક વૈચારિક વૈવિધ્ય સાથે વર્ચ્યુઅલ નવરાત્રીના આયોજન માટે મારી સાથે ચર્ચા કરી હતી કે, ગરબાની સાથે એવી રીતે વાતો પણ રજૂ કરવી છે કે આજના જમાનામાં નવરાત્રી અને ગરબાનું કઈ રીતે મહત્ત્વ છે? તો નવરાત્રીનો તહેવાર તો ઉજવીએ જ સાથે નવરાત્રી અને ગરબાને તણાવમાંથી હળવાશ આપનાર – આધ્યાત્મિક પાસા તરીકે જોઈ શકાય એ વાત રજૂ કરતા અમે ઘણા શોઝ ડિઝાઈન કર્યાં. મારી અંગત વાત કરું તો મારી પત્ની હિમાલી વ્યાસ નાયક સામાન્ય રીતે નવરાત્રીમાં સ્ટેજ પર પર્ફોર્મ કરતી હોય અને અમે ગ્રાઉન્ડમાં હોઈએ. આ વખતે આખો પરિવાર સાથે મળીને નવરાત્રી ઉજવીશું.

- ચિંતન નાયક
કવિ, ગીતકાર, સાયકોલોજિસ્ટ

આ વર્ષે નવરાત્રીના મોટા આયોજનો થવાના નથી. આ સંજોગોમાં મ્યુઝિકલ ઈવેન્ટ્સ સાથે જોડાયેલા કલાકારો શ્રેષ્ઠ યોગદાન આપવાના પ્રયત્નોમાં છે. અનલોક – ૫.૦ વચ્ચે થોડી-ઘણી છૂટછાટ મળી છે તેનો ઉપયોગ કરીને કલાકારોએ વર્ચ્યુઅલ નવરાત્રીના ટ્રેન્ડમાં કોરોના માટેની ગાઈડલાઈન અનુસરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા રેકોર્ડ કરી - શૂટિંગ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું આયોજન કર્યું છે. સેનેટાઈઝેશન પછી, સોશિયલ ડિસ્ટન્સ સાથે ચારથી પાંચ મ્યુઝિશિયન્સ અને એક કે બે ગાયકો ફેસબુક, યુ ટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પર્ફોર્મ કરે અને દર્શકો - શ્રોતાઓ ઘરે ગરબા માણી શકે, રમી શકે એ રીતે આયોજન કરાયું છે. આમ તો છેલ્લા ૪ વર્ષ દરમિયાન યુએસમાં નવરાત્રીનાં કાર્યક્રમોમાં ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, પેન્સિલવેનિયા, ઓહાયોમાં મેં પર્ફોર્મ કર્યું હતું. એ પહેલાં નવ વર્ષ અમદાવાદ - મુંબઈમાં હજારો, લાખો લોકો સામે ગરબે ઝૂમતા હોય ત્યારે લાઈવ પર્ફોર્મ કર્યું એ બહુ યાદ આવે, પણ મનોરંજન પૂરું પાડવા અત્યારે તો વર્ચ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ જ શ્રેષ્ઠ વિકલ્પ ગણવો રહ્યો. જોકે વર્ચ્યુઅલ નવરાત્રીના આયોજન માટે આયોજકોનો પણ આભાર માનવો રહ્યો. મારી જ વાત કરું તો આ વર્ષે અમદાવાદ અને મુંબઈના કેટલાક આયોજનો માટે નવ જગ્યાએ અલગ - અલગ વર્ચ્યુઅલ નવરાત્રી માટે પર્ફોર્મન્સ નક્કી થયું છે.
કેનેડાનું એક ઓર્ગેનાઈઝેશન છે સ્ત્રી. આ ઓર્ગેનાઈઝેશન માટે આ નવરાત્રીએ હું ગરબા ગાઈને પેકેજ તૈયાર કરીને મૂકીશ અને કેનેડામાં લોકો પોતાના ઘરમાં અથવા તો ત્યાંની છૂટછાટ પ્રમાણે બહુ ઓછી સંખ્યામાં લોકો ભેગા થઈને નવરાત્રી રમી શકશે. લંડનનું બહુ પ્રખ્યાત મ્યુઝિક લેબલ છે સૂરસાગર. અશોક પટેલ અને અલ્પેશ પટેલ તેના નિર્માતાઓ છે. તેઓ દર વર્ષે ‘રમઝટ’ અને ‘રંગતાળી’ એમ બે મ્યુઝિક આલ્બમ્સ કરે છે. આ વર્ષે તેઓએ ‘રંગતાળી’ આલ્બમ રિલીઝ કર્યું છે. આ આલ્બમમાં આદિત્ય ગઢવી, ગીતા રબારી, હિમાંશુ બારોટ અને મેં એમ ચાર જણાએ સ્વર આપ્યો છે. કોરોનાની ગાઈડલાઈન ફોલો કરીને મૌલિક મહેતા અને રાહુલ મુંજારિયાના મ્યુઝિક અરેન્જમેન્ટ અને મ્યુઝિક ડિરેક્શનમાં આ આલ્બમ તૈયાર થયું છે. સ્પેશ્યલી નવરાત્રી માટેનું આ આલ્બમ યુ ટ્યૂબ સહિત ઓનલાઈન અવેલેબલ છે જે લોકો ઘરમાં પર્સનલી સાંભળી શકે છે અને તેના પર પોતાના ઘરમાં, પરિવાર સાથે ગરબા રમી શકે છે.

- હિમાલી વ્યાસ નાયક
ગાયિકા, સંગીતકાર, સ્વરકાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter