ન્યૂ યોર્કઃ એચ૧-બી વિઝા કૌભાંડમાં સંડોવણી બદલ જર્સી સિટીની ૩૪ વર્ષીય ભારતીય યુવતી હિરલ પટેલ દોષિત ઠરી છે. હિરલે વિઝા સ્કીમનો દુરુપયોગ અરજદારોને અમેરિકા બોલાવ્યા હતા, પરંતુ તેમને ફૂલટાઇમ જોબ આપી નહોતી કે નિયમાનુસાર પગાર પણ આપ્યો નહોતો. નેવાર્કમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કેવિન મેકનલ્લીની ફેડરલ કોર્ટમાં હિરલ પટેલે ગુનો કબૂલ્યો હતો.
તેની સામે વિદેશી કામદારો માટેની વિઝા સ્કીમના દુરુપયોગ તેમજ ન્યાયમાં અવરોધ સર્જવાના ચાર્જ મૂકાયા હતા, એમ એટર્ની પૌલ ફિશમેને કહ્યું હતું. જૂનમાં તેને સજા સંભળાવાશે જેમાં તેને મહત્તમ પાંચ વર્ષની જેલ અને અઢી લાખ ડોલર દંડ થઇ શકે છે. હિરલ બે આઇટી કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. બન્ને કંપની વિદેશી કામદારોની નિમણુંક કરતી હતી અને ઘણી વખત તો આઇટીના વિદ્યાર્થીઓને અને સ્ટુડન્ટ વિઝા પર ભણવા આવેલા વિદ્યાર્થીઓને પણ કામે રાખીને તેમને એચ૧-બી વિઝા માટે સ્પોન્સર કરાતા હતા.
અહેવાલ અનુસાર, હિરલ ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઓ - એસસીએમ ડેટા ઇન્ક. અને એમએમસી સિસ્ટમ્સ ઇન્ક.માં હ્યુમન રિસોર્સિસ મેનેજર તરીકે કામ કરતી હતી. બંને કંપનીઓ આઇટી સપોર્ટની જરૂરિયાતવાળા ક્લાઇન્ટ્સને સલાહ આપવાનું કામ કરે છે. તેમજ બંને કંપનીએ વિદેશી નાગરિકોની ભરતી પણ કરી હતી.
હિરલ પટેલે કબૂલાત કરી હતી કે એસસીએમ ડેટા અને એમએમસી સિસ્ટમ્સ વતી વિદેશી કર્મચારી માટે ખોટી લીવ સ્લિપ્સ બનાવવાની કામગીરીમાં તે સામેલ છે. વિદેશી કર્મચારીઓ નોકરી ન કરતા હોવા છતાં કર્મચારીઓ કંપનીમાં ફૂલ-ટાઇમ નોકરી કરતા હોવાના પુરાવા તરીકે બોગસ પે-રોલ બનાવાયા હતા. પુરાવાના આધારે હોમલેન્ડ સિક્યોરિટી અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે આ લોકોને ફુલટાઇમ કામ અપાય છે ને વાર્ષિક પગાર પણ નિયત ધોરણ મુજબ ચૂકવાય છે.


