લંડનઃ રિઅર એડમિરલ સંદીપ બિચાએ નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા (FOGNA) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. ગત મહિનાની આખરમાં INS સરદાર પટેલ, પોરબંદર ખાતે યોજાયેલી ભવ્ય પરેડમાં તેમણે ગુજરાત નેવલ એરિયામાં નવો હોદ્દો સંભાળ્યો હતો.
ફ્લેગ ઓફિસર મહારાષ્ટ્ર નેવલ એરિયા રિઅર એડમિરલ એસએન ઘોરમડે અત્યાર સુધી ગુજરાત નેવલ એરિયાનો વધારાનો હવાલો ધરાવતા હતા. ફ્લેગ ઓફિસર ગુજરાત નેવલ એરિયા ગુજરાત વિસ્તારના નૌસેના ઓપરેશન્સ, ગુજરાત સમુદ્રી તટ અને દેશના વાણિજ્ય અને સમુદ્રી આર્થિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કરતા ઓફશોર ડેવલપમેન્ટ એરિયાઝની સુરક્ષા માટે જવાબદાર અધિકારી છે.
રિઅર એડમિરલ સંદીપ બિચાએ ૨૧ જુલાઈ, ૧૯૮૬ના દિવસે ભારતીય નૌસેનામાં નિમણૂક મેળવી હતી. તેઓ નેવિગેશન અને ડિરેક્શન સ્પેશિયાલિસ્ટ છે. તેમણે તટ તાલીમ બેઝ INS મંડોવી ઉપરાંત, કોસ્ટ ગાર્ડ શિપ C-05, INS અજય, INS વિંધ્યગિરિ અને ડિસ્ટ્રોયર INS રાજપૂત પર કામગીરી બજાવેલી છે. આ નિમણૂક પહેલાં તેઓ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે નેવલ એડવાઈઝર હતા.


