અમદાવાદઃ વિદેશમાંથી વતન આવીને ગુલબાંગો ફેંકી લગ્ન કરે અને દીકરી જ્યારે પતિ સાથે વિદેશ પહોંચે ત્યારે તેની સાથે છેતરપિંડી થઈ હોય એવા અનેક કિસ્સા નોંધાયા છે. કેટલાક કિસ્સામાં એનઆરઆઈ-એનઆરજી મુરતિયા ઓલરેડી વિદેશમાં પહેલેથી જ પરણેલા હોવાનીય ઘટના બની છે. આ પ્રકારની છેતરપિંડી ઘટાડવા હવે જે એનઆરઆઈ-એનઆરજીના ભારતમાં કે વતનમાં લગ્ન થશે તેમણે લગ્નના ૪૮ જ કલાકમાં પોતાનાં લગ્નની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત બનશે.
કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ આ સૂચના આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે લગ્નની નોંધણી કરાવવા માટે કોઈ સમયમર્યાદા નિશ્ચિત થયેલી નથી, પરંતુ તાજેતરમાં જ કાયદા પંચે લગ્નનોંધણી માટે સમય નિશ્ચિત કરવાની ભલામણ કરી છે. વળી, એનઆરઆઈના લગ્નના કિસ્સાઓમાં પણ ગેરરીતિઓ ડામવા આ પગલું ઉપયોગી સાબિત થાય તેમ છે. પરિણામે, ટૂંક સમયમાં જ તમામ રજિસ્ટ્રારને યોગ્ય હુકમો કરવામાં આવશે. કાયદાપંચે તમામ ભારતીય નાગરિકોનાં લગ્નની નોંધણી લગ્નના ૩૦ દિવસમાં કરી દેવા અને જો ન થાય તો જેટલો વિલંબ થાય તેના પ્રત્યેક દિવસ દીઠ રૂ. ૫નો દંડ વસૂલવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, એનઆરઆઈના લગ્ન થાય તેના ૪૮ કલાકમાં જ લગ્નની સત્તાવાર નોંધણી કરાવવી અને તેના વિના પાસપોર્ટ અને વિઝા ઇશ્યૂ નહીં થાય તેવો પણ નિયમ બનાવવામાં આવશે. તમામ રજિસ્ટ્રારે આવા એનઆરઆઈની નોંધણી થયા બાદ તેનો ડેટા સેન્ટ્રલ ડેટાબેઝમાં અપડેટ કરવાનો રહેશે.


