અમેરિકાના બોસ્ટનમાં રહેતા વિષ્ણુભાઇ પટેલના ૧૨ વર્ષના દીકરા જયનું ચાંદલોડિયાના માધવ ફલેટ ખાતેના નિવાસ્થાન પાસેથી ૨૬મીએ અપહરણ કરાયું હતું. અપહરણકારોએ જયને છોડવા માટે રૂ.૧૫ લાખની ખંડણી માગી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી ૩૨ કલાક બાદ જયને નડિયાદથી હેમખેમ છોડાવ્યો હતો અને જયની પ્રાથમિક પૂછપરછ કરાયા બાદ ૨૬મીએ મોડી રાત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે તેનું તેની માતા સાથે મિલન થયું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરીને પહેલી ઓગસ્ટે જયની માસી કોમલ પટેલ જશોદાનગરમાં રહેતા તેના પ્રેમી ભરત મકવાણા (૨૮) તથા ભરતના સાથીદારો અર્પિત હોર્બન (૨૧) અને રાજેશ ઊર્ફે રાજુ શનાભાઈ મકવાણા (૩૦)ની શંકાના આધારે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.
• નેવાર્ક-અમદાવાદ AI ફ્લાઈટ અટવાઈઃ નેવાર્કથી ઉપડી અમદાવાદ આવતી ૩૦૦ પેસેન્જરો સાથેની એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ - ૧૪૪માં ટેક્નિકલ ખામી સર્જાતા તેને ઇસ્તમ્બૂલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાવાઈ હતી. ઇસ્તમ્બૂલ એરપોર્ટ પર નિષ્ણાતો દ્વારા ટેક્નિકલ ખામી દૂર કરતા ફ્લાઈટ પાંચ કલાક વિલંબથી પહેલી ઓગસ્ટે મુંબઈ આવવા રવાના થઈ હતી.
• જસ્ટિસ ભગવતી રાજ્યના હ્યુમન રાઈટ કમિશનના ચેરપર્સનઃ ઝારખંડના ચીફ જસ્ટિસ પદેથી નિવૃત્ત થયેલા અને ગુજરાત હાઇ કોર્ટમાં જજ તરીકેની સેવાઓ આપી ચૂકેલા પૂર્વ ચીફ જસ્ટિસ ભગવતી પ્રસાદની નિમણૂક રાજ્યના હ્યુમન રાઈટ કમિશનના ચેરપર્સન તરીકે તાજેતરમાં કરાઈ છે. ઝારખંડના ચીફ જસ્ટિસપદે નિમણૂક પામતા પહેલાં તેઓ ગુજરાત હાઇ કોર્ટમાં જસ્ટિસ હતા. તેમણે વીજળી, પાણી તથા રસ્તાઓ સહિતની સુવિધા આપવામાં નિષ્ફળ રહેલી સરકારને પણ અનેક વાર ટકોર કરી હતી. તેમણે ભ્રષ્ટાચારના કેસોમાં સીબીઆઇને તપાસ પણ સોંપી હતી. તે ઉપરાંત હાઇ કોર્ટ સંકુલ, નેશનલ લો યુનિવર્સિટીના નિર્માણ માટે પણ તેમના પ્રયત્નોથી માર્ગ મોકળા થયા હતા.
• ગુજરાતના ૨૮મા મુખ્ય સચિવ તરીકે ડો. જગદીપ નારાયણ સિંઘઃ ગુજરાતના ૨૮મા મુખ્ય સચિવ તરીકે ડો. જગદીપ નારાયણ સિંઘની ૨૭મી જુલાઈએ નિમણૂક થઈ છે. એમણે એમના પુરોગામી મુખ્ય સચિવ ગંગારામ અલોરિયા પાસેથી ૨૭મી જુલાઈએ સાંજે કાર્યભાર સંભાળી લીધો છે.
• સસ્પેન્ડેડ આઇએએસ પ્રદીપ શર્માની ઇડી દ્વારા ધરપકડઃ ૧૯૯૪ની બેચના સસ્પેન્ડેડ આઇએએસ પ્રદીપ શર્માની વધુ એક વખત ધરપકડ ૩૧મીએ કરાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી છે. અગાઉ સીઆઇડી ક્રાઇમે તેમના પર આ અંગેનો ગુનો નોંધ્યો હતો. વિદેશમાં રહેતી પત્ની શ્યામલ શર્માને પ્રદીપ શર્માએ હવાલા મારફતે પૈસા મોકલ્યા હોવાની નોંધ ઇડીએ કરી છે.

