એનઆરઆઈને ખબર હોય છે કે તેમને કઈ ફેશન રેન્જ જોઈએ છે

Wednesday 20th January 2016 05:33 EST
 
 

એનઆરજી શોપિંગની સિઝન અત્યારે પૂરબહારમાં ખીલી છે. વળી કમૂર્તા પૂરા થયા છે અને એનઆરજીઓ માટે પ્રસંગો લેવાનો પણ આ શ્રેષ્ઠ ગાળો છે ત્યારે વડીલ મહિલા વર્ગથી લઈને યુવતીઓ ઇન્ડિયન ડ્રેસિંગના શોપિંગ માટે અમદાવાદની માર્કેટમાં નજરે પડે છે. એનઆરજી માટે વતન આવે ત્યારે ખરીદી માટે હંમેશાં રાત ઓછીને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ હોય છે ત્યારે એનઆરજી મહિલાઓ અને યુવતીઓ ફેશન એક્સપર્ટની સલાહથી પોતાનું ટ્રોડિશનલ વોર્ડરોબ તૈયાર કરી લે છે. અલબત્ત, તેમની પાસે બીજો વિકલ્પ એ હોય છે કે તેઓ શહેરની જાણીતી ફેશન શોપમાંથી ખરીદી કરે. આ બાબતે અમદાવાદના આસોપાલવ ફેશન શો રૂમના કિરણભાઈ કહે છે કે, એનઆરઆઈ ગ્રાહકો માટે અમે એક અલાયદી અને ખાસ ફેશન રેન્જની તૈયારી રાખીએ છીએ. તેઓ ઇન્ડો વેસ્ટર્ન ક્લોથિંગને પસંદ કરતા હોય તો એ પણ અમારા શો રૂમ પર ઉપલબ્ધ હોય છે અને ટ્રેડિશનલ સાડીની રેન્જ જેમકે બનારસી સેલાં, સિલ્ક સાડીઓ, કલકત્તી સાડીઓ, પટોડાં, બાંધણી, શિફોન સાડીઓમાં તેમને વેરાયટી જોઈએ તો એ પણ અમારે ત્યાં ઉપલબ્ધ હોય છે.

આજકાલ એનઆરઆઈ ગ્રાહકો ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસિસની માગ વધુ કરતા હોય છે. જેમ કે અનારકલી ડ્રેસિસ, ક્રોપ ટોપ, ઇન્ડો વેસ્ટર્ન સલવાર કમીઝ વગેરે વગેરે. અમે એ નોંધ્યું છે કે, દરેક ગ્રાહકની પોતાની એક ચોક્કસ પસંદ હોય છે. તેમની પસંદ સચવાય એ માટે અમે સ્કાઇપ અને ઓનલાઈન શોપિંગનો રસ્તો પણ અપનાવ્યો છે. જેમ કે કેટલાક ગ્રાહકો વતન આવતાં પહેલાં જ પોતાને પસંદ હોય એવા ડ્રેસ અને ડિઝાઈન નેટથી મોકલાવી આપે છે. અમારા એક્સપર્ટ તેમની ડિમાન્ડ મુજબ અહીં ડ્રેસ કે સાડી તૈયાર કરે છે. વળી, એમાં ફેરફાર મુજબના ફેરફાર પણ થઈ જાય છે. જે તે ગ્રાહકો વતન ન આવતા હોય તેમને તેઓ જ્યાં વસતા હોય ત્યાં ડ્રેસ પહોંચાડવાની પણ સગવડ કરીએ છીએ.

અમદાવાદના જ દીપકલા શો રૂમના સ્ટાફ સાથે આ બાબતે પ્રાથમિક વાતચીત થઈ તો તેમણે જણાવ્યું કે, એનઆરઆઈ ગ્રાહકોનો સમય કિંમતી હોવાથી તેમના ઓર્ડરને જલદીથી પૂરો કરવામાં અમે ખાસ ધ્યાન આપીએ છીએ. અમારા શો રૂમમાં એક સ્પેશિયલ વિભાગ એનઆરઆઈ ગ્રાહકો માટે જ ફાળવવામાં પણ આવ્યો છે. ગુલાબદાસ ફેશન સ્ટોર્સના સ્ટાફનું પણ કહેવું એવું જ છે. આશરે બારેક વર્ષથી ફેશન સ્ટોર્સમાં કામ કરતા પિન્ટુભાઈ કહે છે કે, ગુલાબદાસ સાડી સ્ટોર્સમાં એનઆરઆઈ ગ્રાહકો માટે એક અલાયદો વિભાગ જ રખાયો છે. વળી, અમે ગ્રાહકને ખાસ એ પૂછીએ છીએ કે તમારે ક્યા પ્રસંગ માટે શોપિંગ કરવાનું છે? હાલમાં જ એક યુવતીના લગ્ન હતા. તેમને દરેક પ્રસંગમાં સાડી જ પહેરવી હતી અને ઇન્ડિયન લુક જોઈતો હતો, પણ તેમને સાડી પહેરતા ફાવતી નહોતી. એમના માટે અમારા એક્સપર્ટ દ્વારા સ્પેશિયલ તેમને પસંદ હતી એવી ડિઝાઈનર પ્રિ - સ્ટીચ સાડીઓ બનાવી આપવામાં આવી હતી.

સુમાયા ફેશન રેન્જના ફેશન ડિઝાઈનર પ્રાચી શાહ દવે કહે છે કે, ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એનઆરઆઈ વેડિંગ માટે અમદાવાદમાં ફેશન ડિઝાઈનરની ખાસ માગ રહે છે. એનઆરઆઈ યુવતીઓને ઝડપથી પહેરી લેવાય તેવા અને તેમાં ટ્રેડિશનલ ટચ હોય તેવા વેડિંગ ડ્રેસ ખાસ પસંદ આવે છે. હાલમાં અમે જે દુલ્હન કલેક્શન બનાવ્યું છે, તેમાં કચ્છી ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તે સફળ પણ રહ્યો છે. શિફોન, બનારસી, સિલ્ક સાડી, બાંધણી કે પટોડાની ઉપર કચ્છી વર્ક અને કચ્છી પટ્ટા સાથે વેડિંગ સ્પેશ્યલ રેન્જ અમે તૈયાર કરી અને હોંશે હોંશે એનઆરઆઈ યુવતીઓએ એમાં સજીને લગ્ન કર્યાં છે.

ફેશન ડિઝાઈનર મેઘના રંગપરિયા કહે છે કે, ભારતીય યુવતી કે મહિલા ભલે વિદેશમાં વસતી હોય, પણ ફેમિલી આલ્બમની વાત આવે ત્યારે તેને પ્યોર ટ્રેડિશનલ ટચ હોય તેવા જ કપડાં પહેરવાં ગમે છે. હાલમાં મારી પાસે જેટલા પણ એનઆરઆઈ ઓર્ડર હતાં તેના પરથી કહી શકાય કે એનઆરઆઈ યુવતીઓમાં ઇન્ડિયન ડ્રેસિંગ અને ડિઝાઈન માટે ખાસ્સી સૂઝ હોય છે. એમાંય કન્ટેમ્પરરી – ટ્રેડિશનલ પરિધાન તેમનું માનીતું હોય છે. આ ઉપરાંત અમારી ટીમે ટ્રેડિશનલ મટિરિયલ જેમ કે, બ્રોકેડ, બ્રાસો, સિલ્ક, ખાદી, ભાગળપુરી, ચંદેરી સાથે કિનખાબને મેચ કરીને તેની ઉપર લાઈટ કસબ વર્કથી વેડિંગ કલેક્શન ઓર્ડર મુજબ તૈયાર કર્યું હતું અને યુવતીઓથી લઈને મહિલાઓને તે ખૂબ જ પસંદ આવ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter