અમદાવાદઃ અન્ય દેશોમાં વસતી ગુજરાતની યુવા પેઢીને મૂળ વતન સાથે જોડી રાખવાના હેતુથી રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં બિનનિવાસી ગુજરાતી યુવાનો માટે ૧૦ દિવસની ગુજરાત પરિભ્રમણ યોજનાને અમલમાં મૂકી છે. આ નીતિ અંતર્ગત દર વર્ષે વિવિધ રાજ્યોમાં વસતા ૧૮થી ૨૬ વર્ષના ૨૫ યુવાનોની બેચ ગુજરાતમાં આવશે.
આ અંગે એનઆરજી વિભાગના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી ૧૦ દિવસની મુલાકાત લઈને ગુજરાતની સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ, મહત્ત્વની યોજનાઓ, શિક્ષણ- ઉર્જા, પ્રવાસન અને ઐતિહાસિક- સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.
રાજ્યના મહાનુભાવો અને અન્ય વિવિધ ક્ષેત્રના વિદ્વાનો સાથે મુલાકાત કરશે. તેઓએ ઉમેર્યું કે, યુવાનોની બેચ અહીં આવે ત્યારબાદની પરિવહન, રહેવા - જમવા, સ્થળ મુલાકાત જેવી સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. આ યોજનાનો મુખ્ય હેતુ એનઆરજી યુવા પેઢીને રાજ્ય સાથે જીવંત સંપર્ક પ્રસ્થાપિત કરીને રાજ્ય સાથે જોડવાનો છે.

