એમડી ડ્રગ્સના ડીલર અફાક બાવાની કર્ણાટક-ગોવા બોર્ડર પાસેથી ધરપકડ

Tuesday 22nd September 2020 06:34 EDT
 

અમદાવાદ: બોલિવૂડ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો વોન્ટેડ આરોપી અફાક અહેમદ ઉર્ફે અફાક બાવાને ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટક-ગોવા બોર્ડર પરથી ૧૭મી સપ્ટેમ્બરે ઝડપી લીધો હતો. શહેરમાં છેલ્લા બે વર્ષમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓએ અફાકે જ ડ્રગ્ઝ સપ્લાય કર્યું હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં આઈએસઆઈ ફિરોજ નાગોરી સહિત ત્રણ લોકો રૂ. ૧ કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, આ માલ તેમને ૨૦૧૯માં એમડીના જથ્થા સાથે પકડાયેલા આરોપી શહેજાદ હુસેન તેજાબવાળા અને ઇમરાન અજમેરીએ મુંબઈથી આપ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેની મુંબઈથી ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જથ્થો તેમને અફાકે આપ્યો હતો. જેના આધારે પોલીસ અફાકની ધરપકડ કરી હતી. અફાકની ધરપકડ બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.
અફાકનો ગુનાહિત ઇતિહાસ
ડીઆરઆઈએ જાન્યુઆરીમાં ૫૦ કિલો મેફેડીન ડ્રગ્સ સાથે સિકંદર ચિમુ સહિતના લોકોની ધરપકડ કરી હતી. આ ગુનામાં અફાક વોન્ટેડ છે. આ ઉપરાંત ૨૦૦૯માં મુંબઈ એન્ટિ નાર્કોટિક્સ સેલે ૨૩ કિલો ચરસ સાથે અફાકને ઝડપ્યો હતો જે કેસમાં ૨૦૧૨માં તે ડિસ્ચાર્જ થયો હતો.
સુશાંત કેસમાં પણ સંડોવણીની શંકા
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવૂડમાં કલાકારોને ડ્રગ્સ સપ્લાય કરતા લોકોનાં ઘણા નામ બહાર આવ્યાં છે. આ કેસમાં અફાક બાવાની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter