અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પેસેન્જરોને લેવા મૂકવા આવતા વાહનનોને સુવિધા આપતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૧૦ મિનિટ ફ્રીની સમયમર્યાદા દૂર કરી છે. માર્ચ મહિનાથી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર અમલ થશે. જોકે ડિપાર્ચર એરિયામાં આવતા કમર્શિયલ વાહનોને એક્સેસ ચાર્જ તરીકે રૂ. ૫૦ ચૂકવવા પડશે. એવી જ રીતે બન્ને ટર્મિનલના પાર્કિંગ પ્લોટમાં પાર્ક થતા વાહનોને પણ ચાર્જ ઓછો કરીને ઓથોરિટીએ ત્રણ અલગ અલગ સ્લોટ બનાવ્યા છે. જેમાં ૩૦ મિનિટ સુધી, ૩૦ મિનિટથી ૨ કલાક સુધી અને ૨ કલાકથી વધુ સમય સુધી પાર્ક થતા વાહનોને જ પાર્કિંગ ચાર્જ આપવો પડશે. નવા નિયમ મુજબ હવે એરપોર્ટ પર આવતા ખાનગી વાહનો જો પેસેન્જરને લઈને કે મૂકીને જતા રહે તો તેમની પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં. જો તેઓ વાહન પાર્કિંગ એરિયામાં લઈ જાય ત્યારે તેમની પાસેથી ચાર્જ વસુલાશે.


