અમદાવાદ સહિત દેશના ચાર એરપોર્ટનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. યુનિયને ૧૧ માર્ચે દેશભરના એરપોર્ટમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ રાખવાની જાહેરાત કરી છે, સાથોસાથ તે દિવસે એક પણ ફ્લાઇટને ટેક્ ઓફ કે લેન્ડિંગ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. એરપોર્ટ ઓથોરિટી એમ્પલોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી બલરાજસિંહ અહલાવતે ગત સપ્તાહે અમદાવાદમાં સ્થાનિક યુનિયન વિરોધપ્રદર્શનની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. બલરાજસિંહ અહલાવતે જણાવ્યું હતું કે '૧૧ માર્ચે અમારા કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો સાથે ડિપાર્ચર ગેટ ઉપર ઊભા રહેશે. આ દિવસે દેશમાં એક પણ ફ્લાઇટનું સંચાલન કરાશે નહીં.