અમદાવાદઃ એક્ટિવિસ્ટ અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઇ ગત અઠવાડિયે બેંગલુરુ જવા એરપોર્ટ પર આવ્યા હતા. તેઓ ‘સબ વે'માંથી સેન્ડવીચ લેવા આવ્યા ત્યારે વેજ કાઉન્ટર પર વંદા ફરતા જોવા મળ્યા હતા. આ મામલે તેમણે એરપોર્ટ ડિરેક્ટરને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ કરી હતી. હદ તો ત્યારે થઇ કે આ અંગે ડિરેક્ટરને પૂછતાં જવાબ મળ્યો હતો કે, મલ્લિકા સારાભાઇ કૌન હૈ?' આ બન્ને મુદ્દે કોઇ જ તપાસ થઇ નથી કે કોઇની સામે પગલાં પણ લેવાયા નથી.
વળી, અમદાવાદ એરપોર્ટ સામેનો ગાર્ડન રાત્રે જુગારના અડ્ડામાં ફેરવાઇ જતો હોવાની ફરિયાદો છે. ટર્મિનલ બહાર પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું એવી ફરિયાદો વચ્ચે સામાન્ય સવાલ થાય છે કે એરપોર્ટ ઓથોરિટીને કે એડવાઇઝરી કમિટીના ચેરમેન સાંસદ પરેશ રાવલને કેમ એરપોર્ટ પર ગંદકી દેખાતી નથી?
સાંસદ અને બોલિવૂડના જાણીતા કલાકાર પરેશ રાવલ અમદાવાદ એરપોર્ટ એડવાઇઝરી કમિટીના ચેરમેન છે. વ્યસ્તતાને લીધે અમદાવાદ તરફ પૂરતું ધ્યાન નહીં આપી શકતા પરેશ રાવલ એરપોર્ટ પ્રત્યે તો તદ્દન બેદરકાર સાબિત થઇ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટની ગણના દેશના વ્યસ્ત એરપોર્ટ પૈકી એકમાં થઇ રહી છે, પણ દેશ-દુનિયાના પેસેન્જર્સ તો અમદાવાદ એરપોર્ટને ગંદકી, પ્રાથમિક સુવિધાના અભાવ અને કાયમી અગવડોના કેન્દ્ર તરીકે જ ઓળખે છે. સવાલ એ ઉભો થાય છે કે એડવાઇઝરી કમિટીના ચેરમેન પરેશ રાવલને શું એરપોર્ટ પરની ગંદકી દેખાતી નથી? જો દેખાતી હોય તો તેમણે આ ગંદકી દૂર કરવા આદેશ કર્યાં કે નહીં? જો આદેશ કર્યાં હોય તો હજુ સુધી ગંદકી કેમ દૂર થઇ નહીં? એવા સવાલો ઊઠી રહ્યાં છે.
એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ પરેશ રાવલના આગમન ટાણે એરપોર્ટની સફાઇ કરી તેમની સમક્ષ ફૂલગુલાબી ચિત્ર ઉભું કરી દેતા હોય છે. થોડા સમય પહેલાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદરની બાજુની દિવાલો પર કોઇએ પાનની પિચકારીઓ મારીને ગંદકી કરી હતી. આ કારનામાની ફરિયાદ કોઇ મુસાફરે કરી ત્યારે અધિકારીઓ સીસીટીવી ફુટેજ ચેક કરવા નિકળ્યા હતા.

