અમદાવાદઃ એલજી હોસ્પિટલમાં ૧૧મી માર્ચે પાંચ દર્દીઓએ મોતિયાના ઓપરેશન કરાવ્યા હતા. જેમાં ચાર દર્દીઓએ ફેકો પદ્ધતિથી તો એક દર્દીએ ટાંકાવાળું ઓપરેશન કરાવ્યું હતું. બીજા દિવસે ફેકો પદ્ધતિથી ઓપરેશન કરાવનાર ચાર દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન લાગતા બે દર્દીને નગરી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. બે દર્દીને એલજી હોસ્પિટલમાં રખાયા હતા. હાલમાં ચારેય દર્દીઓની હાલત સ્થિર છે અને આંખની રોશની આવે તેવી સંભાવના નહીંવત છે. મ્યુનિ. શાસકોએ એલજીના સુપરિન્ટેન્ડેન્ડેન્ટ ડો. યોગેન્દ્ર મોદી અને આઇ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. બીના દેસાઇને શો-કોઝ નોટિસ ફટકારી છે. ઓપરેશન કરનારા રેસિડેન્ટ ડો. ગઝાલા મનસુરી અને સ્ટાફ નર્સ વેરોનિકા ક્રિશ્ચનને ટર્મિનેટ કરી દેવાયા છે. સ્ટાફ નર્સ વીણા પ્રજાપતિ અને ફેમિદા સૈયદને સસ્પેન્ડ કરાયા છે.
આ ઘટના પછી ત્રણ સિનિયર તબીબોની કમિટી બનાવાઈ છે. સમગ્ર ઘટનાની તપાસ કરીને સાત દિવસમાં તે રિપોર્ટ આપશે. ઉપરાંત ઓપરેશન થિયેટર અને સર્જિકલ સાધનોમાંથી ચેપ લાગ્યો છે કે નહીં તે ચકાસણી માટે સેમ્પલ લઇને તપાસ માટે મોકલી અપાયા છે. ૧૧મીએ ૪૦ વર્ષીય ધનવંતીબહેન ગદાણી, ૭૦ વર્ષીય કુલસુમ મોમીન, ૬૫ વર્ષીય રમેશભાઇ મકવાણા, ૮૪ વર્ષીય હસુમતીબહેનના ફેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશન કરાયા હતા. જ્યારે ૬૬ વર્ષીય મસાકભાઇ દીવાનની નાની સર્જરી ટાંકા પદ્ધતિથી કરાઈ હતી. ૧૨મીએ ધનવંતીબહેને દેખાતું નથી તેવી ફરિયાદ કરી હતી. તેમને નગરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કુલસુમબહેનનો સંપર્ક કરતાં તેમણે પણ ઇન્ફેક્શન હોવાની ફરિયાદ કરી હતી જેથી તેઓને નગરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


