અમદાવાદઃ એવિયેશન તથા એરોનોટિક ક્ષેત્રે ગુજરાતી યુવકો ખૂબ જ ઓછો રસ દાખવે છે. છેલ્લા બે દશકથી કાર્યરત અમદાવાદ એવિયેશન એન્ડ એરોનોટિક્સ લિ.ના વ્યવસ્થાપકોના મતે માત્ર ૨૦૦ જેટલા પાઇલટને કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ (સીપીએલ) મેળવવામાં સફળતા મળી છે. છેલ્લા દસ વર્ષમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ શાખામાં નહીવત સ્નાતકો થયા છે. આ બંને ડિગ્રી મેળવવા માટે સીપીએલના ત્રણ અને એએમઈના ચાર, કુલ મળીને સાતેક વર્ષ જેટલો સમય થાય તેવા બંને અભ્યાસક્રમ એક ગુજરાતી યુવક ધ્વનિત રાવલે પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા છે. એક વિમાનચાલક તરીકે આવી વિશેષ લાયકાત ધરાવતો ગુજરાતી યુવક ધ્વનિત રાવલ કુટુંબ, સમાજ અને રાજ્ય અને દેશું ગૌરવ બન્યો છે.
ગુજરાતમાંથી રૂ. ૮૭ લાખની નકલી ચલણી નોટ ઝડપાઈઃ ગુજરાતમાં નકલી ચલણી નોટ પકડવાનું ફરી શરૂ થયું છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા સુરેન્દ્રનગરના સાયલામાં એક મંદિરના પૂજારીને રૂ. એક હજારની ૧૦૨ નકલી ચલણી નોટ સાથે પકડવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જાહેર થયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) દ્વારા ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં આવી નકલી ચલણી નોટ ઘુસાડવામાં આવી છે. ૨૦૧૪ના વર્ષમાં ભારતમાંથી કુલ ૩,૦૩,૫૪,૬૦૪ બનાવટી ચલણી નોટ ઝડપાઇ હતી. આ પૈકી સૌથી વધુ ૮૭,૪૭,૮૨૦ ગુજરાતમાંથી જ ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે.