ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૧૭માં ફ્રાન્સ પહેલીવાર પાર્ટનર કન્ટ્રી છે. સમિટ દરમિયાન એવિયેશન, ફૂડ પ્રોસેસિંગ અને ડિફેન્સ ક્ષેત્રે મોટા મૂડીરોકાણની પણ તત્પરતા ફ્રાન્સે દર્શાવી છે. જેમાં એરબસનું ગુજરાતમાં ઉત્પાદન કરવા વિશે પણ ગંભીર વિચારણા ચાલી રહી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં ફ્રાન્સના ભારત ખાતેના રાજદૂત એલેકઝાન્ડર ઝિગલરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. ગુજરાતની તેમની પ્રથમ મુલાકાત હતી. મુલાકાતમાં મુખ્ય પ્રધાને તેમને પાર્ટનર કન્ટ્રી બનવાનું આમંત્રણ આપ્યું જેનો રાજદૂતે સ્વીકાર કર્યો હતો.
મુલાકાત વિશે જાણકાર સૂત્રોના કહેવા મુજબ, વાયબ્રન્ટ સમિટ દરમિયાન ફ્રાન્સ લગભગ ૨૦-૨૫ ખ્યાતનામ કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે ભાગ લેશે. જેમાં મહદ્ અંશે એવિયેશન, ડિફેન્સ અને એગ્રિકલ્ચર-ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો સમાવેશ થશે. એલેક્ઝાન્ડર ઝિગલરે મુખ્યમંત્રીને એવી પણ ખાતરી આપી હોવાનું કહેવાય છે કે, આગામી ભવિષ્યમાં એરબસનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય તેવી ફ્રાન્સની તૈયારી છે.
યુરોપ બાદ એશિયામાં એરબસનું વિસ્તરણ ઘણા લાંબા સમયથી વિચારણા હેઠળ હતું. જોકે, એવિયેશન અને ડિફેન્સ ક્ષેત્રે ભારતની વિદેશી મૂડીરોકાણની નીતિ હળવી બનતાં ભારતમાં ઉત્પાદનની શક્યતાઓ ઉજળી બની છે. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૧૩ના વાયબ્રન્ટ સમિટમાં તેમણે પહેલીવાર ડિફેન્સ કોન્ક્લેવ શરૂ કર્યો અને ગુજરાતને પણ ડિફેન્સ અને એવિયેશન ક્ષેત્રે મૂડીરોકાણ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.


