અમદાવાદઃ સાઈ ઈન્ફોસિસ્ટમ લિમિટેડ તથા તેની સિસ્ટર કંપનીઓ દ્વારા બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડની લોન મેળવી ઠગાઈ આચનારમાં મદદગાર અને સહભાગી કંપનીઓમાં ડિરેકટર રાજીવ ગુપ્તાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે. રાજીવ ગુપ્તા અગાઉ આઈઈએસ (ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસમાં) અધિકારી તરીકે નોકરી કર્યા બાદ બીએસએનએલમાં ઉચ્ચ હોદ્દા ઉપર સર્વિસ કરી હતી. બાદમાં સુનીલ કક્કડના સંપર્કમાં આવ્યા બાદ ઉચ્ચ ઓફર મળતા રાજીવ ગુપ્તા તેની સહભાગી કંપનીમાં ડિરેકટર તરીકે જોડાયા હતા. ઈડીની તપાસમાં ખૂલ્યું છે કે, સુનીલ કક્કડે સાઈ ઈન્ફોસિસ્ટમ, એટ્રિયમ ઈન્ફોકોમ અને ક્લિક ટેલિકોમ મારફતે બેંકો તથા સરકારી બાબુઓને લાંચ આપીને બેંકો સાથે છેતરપિંડી આચરીને રૂ. ૮૬૭.૪૩ની લોનો મેળવી હતી જે નાણાં હવાલા મારફતે વિદેશમાં મોકલવામાં રાજીવ ગુપ્તાએ મદદ કરી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે ઈડીએ પુરાવા એકઠા કરીને રાજીવ ગુપ્તાને નિવદેન માટે બોલાવીને ધરપકડ કરી છે. ઈડીએ એસઆઈએસના ચીફ મેનેજિંગ ડિરેક્ટર સુનીલ કક્કડના રિમાન્ડ દરમ્યાન સહભાગી કંપનાઓના ડિરેકટર રાજીવ ગુપ્તાનું નામ ખુલ્યું હતું.

