ગાંધીનગરઃ એસએમવીએમસ સ્વામીનારાયણ સંસ્થાના સ્થાપક પરમ પૂજ્ય બાપજી (દેવનંદનદાસજી સ્વામીજી) ૨૨મીએ રાત્રે અંતર્ધ્યાન થયા છે. તેઓ ૮૭ વર્ષના હતા. તેમની અંતિમવિધિ ગાંધીનગર સ્થિત સ્વામીનારાયણ ખાતે કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને વાસણા મંદિરમાં સારવાર ચાલી રહી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેવનંદનદાસજી સ્વામી બાળપણથી જ સ્વામીનારાયણ ભગવાનનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. ૨૩ વર્ષની યુવાન વયે જ તેઓ સંસાર ત્યાગ કરીને ભગવા રંગે રંગાયા હતા. તેઓ ૧૯૫૬ને ૩જી ઓગસ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી અને દેવનંદનદાસજી સ્વામી તરીકે ઓળખાયા હતા.
૨ દિવસમાં ૩ લાખથી વધુએ દર્શન કર્યાં
એસએમવીએસ મંદિર વાસણા સંસ્થાનના સંસ્થાપક બાપજી ૮૭ વર્ષે બ્રહ્મલીન થયા હતા. ૨૩ અને ૨૪ ઓગસ્ટે સ્વામીનારાયણ ધામમાં ત્રણ લાખથી વધુ હરિભક્તોએ ગુરુવર્ય બાપજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાપજીની પાલખીયાત્રા સ્વામીનારાયણ ધામથી નીકળીને સાંજે ૬ કલાકે પરત ફરી હતી. બાપજીની અંતિમવિધિ પહેલા સત્યસંકલ્પદાસજીએ પ્રાર્થના કરીને તમામને આ લોક અને પરલોકમાં સુખિયા કરજો તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં સ્વામીનારાયણ ધામના વૈદિકા સ્થળે સ્વામીએ બાપજીને અગ્નિસ્પર્શ કરાવ્યો હતો તથા સંસ્થાના વડીલ સંતોએ પણ અગ્નિસ્પર્શ કરાવ્યો હતો.


