અમદાવાદઃ યોગ, આયુર્વેદ, તથા એલોપથીના સમન્વયરૂપ ‘શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ’નું ૩જી ડિસેમ્બર રવિવારે લોકાર્પણ થશે. અમદાવાદમાં નિર્માણ પામેલી આ હોસ્પિટલનું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે અને આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ સ્વામી શ્રી માધવપ્રિય દાસજી સ્વામી હાજરી આપશે. સંતો, મહંતો, તબીબો, વૈદ્યો તથા સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ હોસ્પિટલની લોકાર્પણ વિધિમાં હોસ્પિટલ વિશે ઓળખ પણ આપવામાં આવશે. ‘શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ’ સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના ઉપક્રમે આગામી ૩જી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સાંજે ૪ કલાકે હોસ્પિટલ લોકાર્પણના સમારોહ સરખેજ ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદમાં યોજાયો છે. સ્વામીનારાયણ તથા પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તથા ધર્મજીવનદાસજી સ્વામીએ આરંભેલા ‘સર્વજીવહિતાવહ’ સેવાપરીના ભાગરૂપે SGVP દ્વારા જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં નિર્માણ પામેલી હોલિસ્ટીક હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં સદગુરુ પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીજી મંગલ આશીર્વાદ આપશે.
આ હોસ્પિટલના નિર્માણ માટે કેન્યામાં આવેલા મોમ્બાસામાં વસેલા ગં. સ્વ. રતનબહેન કેશવલાલ પ્રેમજી ભૂડિયાનો પરિવાર મુખ્ય દાતા છે.
આ પ્રસંગે ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ (અમરેલી), દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિર (અમદાવાદ), પરમાત્માનંદજી મહારાજ (મહામંત્રી હિન્દુ ધર્મ આચાર્ય સભા) રાજકોટ, અવિચલદાસજી મહારાજ (સારસા), દેવપ્રસાદજી મહારાજ (આણદાબાવા આશ્રમ) જામનગર, કૃષ્ણમણિજી મહારાજ (જામનગર), પરમ પૂજ્ય શ્રી શંભુનાથજી મહારાજ (ઝાંરઝરકાપીઠ), અધ્યાત્માનંદજી મહારાજ (શિવાનંદ આશ્રમ) અમદાવાદ, લલિતકિશોરજી મહારાજ (નિમ્બાર્કપીઠ) લીંમડી, કનીરામ મહારાજ (દૂધરેજ), ભરતબાપુ (લાલગેબી આશ્રમ-હાથીજણ), શિવરામ સાહેબ, (કબીર આશ્રમ) મોરબી, ચૈતન્યશંભુ મહારાજ (અમદાવાદ), ભાગવતઋષિજી (ભાગવત વિદ્યાપીઠ - સોલા) સહિતના સંતોની ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત દેશ વિદેશમાંથી સંતો ભક્તો પણ પધારશે.

