લંડન ખાતે જે રીતે આ કમિટીના કો-ઓર્ડિનેટર સી.બી. પટેલ કેમ્પેઈન ચલાવી રહ્યા છે તેમજ લંડનથી હાઉસ ઓફ લોર્ડસના સભ્યોએ ભારતમાં કેન્દ્ર સરકારના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને પત્રો લખ્યા છે. એટલું જ નહીં, પરંતુ શ્રી સી.બી. પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પત્રો લખ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ આ જાતની કેમ્પેઈન ચાલુ છે. ભારત ખાતેના આ કમિટીના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખે ગુજરાતમાં અનેક લોકસભા તથા રાજ્યસભાના સભ્યો તેમજ બીજા આગેવાનોને મળીને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની કાર્યવાહી ચાલુ રાખી છે.
આ કેમ્પેઈનના ભાગરૂપે ઓલ પાર્ટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ચેરમેન શ્રી મનસુખભાઈ માંડવિયાએ અગાઉ પત્ર લખ્યો હતો પરંતુ ૨૫ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં નાગરિક ઊડ્ડયન મંત્રાલયમાં નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, અગાઉ એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદ-લંડનથી ચાલતી હતી. પરંતુ ગઈ યુપીએની સરકાર વખતે આવી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. આથી માત્ર ગુજરાતના જ મુસાફરોને નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવી ફ્લાઈટમાં આવતા-જતાં મુસાફરોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી અગાઉ આવી ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદ-લંડન-અમદાવાદથી ચાલતી હતી. તે ફ્લાઈટ એર ઈન્ડિયાની ચાલુ કરવી જોઈએ. આવી ફ્લાઈટ ચાલુ કરવાથી મુસાફરોની મોટી સંખ્યા એર ઈન્ડિયાને મળી શકે છે અને આર્થિક રીતે પણ આવી ફ્લાઈટથી એર ઈન્ડિયાને કોઈ નુકસાન થતું નથી. પરંતુ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુસાફરોને ઘણી રાહત મળે છે. મનુસખભાઈ માંડવિયાએ મંત્રીશ્રીને જણાવ્યું હતું કે, આવી ફ્લાઈટ માટે ભારત અને યુ.કે.માં એક કેમ્પેઈન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી તરફથી હું રજૂઆત કરી રહ્યો છું.
અશોક ગજપતિ રાજુએ જણાવ્યું હતું કે, અગાઉ, આવી ફ્લાઈટ ચાલતી હતી તેની માહિતી મેળવી અને હું આવી ફ્લાઈટ ફરીને ચાલુ થાય તે માટે ચોક્કસ યોગ્ય નિર્ણય લઈશ. આ રીતે મંત્રીશ્રીએ હકારાત્મક નિર્ણય જણાવ્યો હતો.
બીજી બાજુ, ભારતમાં આ જાતની કેમ્પેઈન ભારત ખાતેના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખ દ્વારા ચાલી રહી છે. તેમણે ગુજરાતના શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા વરિષ્ઠ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તેમજ રાજ્ય સભાના સભ્ય પરિમલ નથવાણીને રૂબરૂ મળી વિસ્તૃત વિગતો આપી અને લંડન ખાતે સી.બી. પટેલ ડાયરેક્ટ ફ્લાઈટ માટે જે કેમ્પેઈન ચલાવી રહ્યા છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હું લંડન ગયો હતો ત્યારે સી.બી. પટેલે એક મિટિંગ ગોઠવી હતી. અને આ મિટિંગમાં મેં ગુજરાત વિશેની વિગતો લંડનના નાગરિકોને આપી હતી. સી.બી. પટેલ ગુજરાતના મંત્રીઓને ખૂબ મદદ કરી રહ્યા છે. આવી અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઈટથી ઘણા પેસેન્જરોને રાહત મળે છે. તેની મને પ્રત્યક્ષ માહિતી છે. તેમણે આવી કેમ્પેઈન માટે કહ્યું હતું કે સ્વંય વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી ફ્લાઈટ માટે માહિતગાર છે. માટે હું વડા પ્રધાનને પત્ર લખી આવી ફ્લાઈટ તાત્કાલિક ચાલુ કરવાનું જણાવીશ.
ગુજરાતના નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલે આવી ફ્લાઈટની કેમ્પેઈનની માહિતી મળ્યા બાદ કહ્યું હતું કે, ગયા અઠવાડિયે દિલ્હીથી આવેલા એર ઈન્ડિયાના ઊચ્ચ અધિકારીઓ અને એરપોર્ટના અધિકારીઓને મેં આવી ફ્લાઈટ ચાલુ કરવા જણાવ્યું હતું. પરંતુ હું પણ કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખીને જણાવીશ કે આવી ફ્લાઈટ તાત્કાલિક શરૂ કરવાથી ગુજરાતના મુસાફરોને ખુબ રાહત થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ રાજ્ય સભાના સભ્ય પરિમલ નથવાણી સમક્ષ આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે લંડનમાં જે કેમ્પેઈન ચાલી રહી છે તેની માહિતી મળવાથી તેમણે પણ ગુજરાતના પેસેન્જરોને રાહત થાય તે માટે કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખવા જણાવ્યું છે. ગુજરાતના કુટિર ઊદ્યોગ તથા ગૌસંવર્ધન રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાને અહીં ગાંધીનગરમાં તેમના સચિવાલયમાં ભુપતભાઈ પારેખ મળ્યા હતા. ત્યારે તેઓ લંડન ગયા હતા અને સી.બી. પટેલ સાથે વાતચીત થઈ હતી. તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તારાચંદભાઈ છેડાએ કહ્યું હતું કે હું થોડા દિવસ પહેલાં લંડન ગયો હતો ત્યારે મારા કચ્છના મિત્રો સાથે ગુજરાત સમાચાર કાર્યાલયમાં સી.બી. પટેલને મળવા ગયો હતો. ત્યારે આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટે મેં મારો પૂરો સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે તુર્ત જ તેમના સેક્રેટરીને બોલાવીને તે જ વખતે પત્ર કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને લખ્યો હતો. આ પત્ર આ સાથે સામેલ છે. તેમણે કહ્યું હતું કે હું જાણું છું કે, આવી ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદ-લંડન-અમદાવાદની નહીં હોવાથી ગુજરાતના અને અમારા કચ્છના પેસેન્જરોને ખૂબ મુશ્કેલી થાય છે. આથી, તેમણે કહ્યું હતું કે, અત્યારે તો હું પત્ર લખીને આવી રજૂઆત કરી રહ્યો છું. પરંતુ હું દિલ્હી જઈને કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે જોરદાર રજૂઆત કરીશ.
દિલ્હીમાં રૂબરૂ રજૂઆત કરીને ગાંધીનગર આવ્યા બાદ આ કેમ્પેઈન કમિટીના ચેરમેન મનસુખભાઈ માંડવિયા સાથે ભુપતભાઈ પારેખે વાતચીત કરી હતી ત્યારે મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે મેં મારી રજૂઆતમાં બે મુદ્દાઓ રજૂ કર્યા હતા. હું પાલિતાણાનો વતની છું. પાલિતાણામાં જૈનોનું પવિત્ર તીર્થ શૈત્રુંજય તીર્થ આવેલું છે. વિદેશથી આવતાં જૈનો પાલિતાણા આવવા માટે લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ માટે રજૂઆત કરી રહ્યા છે. આથી મેં કેન્દ્રના મંત્રીને કહ્યું હતું કે, ભારતભરનાં જ નહીં, વિદેશના જૈનો પણ લંડનથી અમદાવાદની સીધી ફ્લાઈટની માંગણી કરી રહ્યા છે તે હું જાણું છું.
માંડવિયાએ કહ્યું હતું કે, બીજી રજૂઆતને મેં એ કરી હતી કે, વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં પટેલો ગુજરાત આવી રહ્યા છે. તેઓની પણ ખૂબ મોટી માંગણી છે કે લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે. આથી મેં મંત્રીશ્રીને કહ્યું હતું કે, વિદેશભરના પટેલ જ્ઞાતિના મુસાફરો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવતા હોઈ આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવી જોઈએ.
આવી રીતે પ્રથમવાર કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી સમક્ષ પ્રથમવાર રજૂઆત કરવામાં આવી છે.