ઓહિયોમાં સ્વામિનારાયણ વડતાલધામ મંદિર પર હુમલો અને તોડફોડ

Tuesday 06th October 2026 12:53 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના ઓહિયોમાં તોફાની તત્વોએ ફરી એક વખત હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. અજાણ્યા શખસોએ ઈંટ-પથ્થરો વડે મંદિર પર હુમલો કર્યો હતો, જેમાં મંદિરની બારીઓને નુકસાન થયું હતું. આ ઘટના સમયે પૂજારી સહિત અન્ય કેટલાક લોકો મંદિરની અંદર પૂજાપાઠ કરી રહ્યા હતા.
કોએલિશન ઓફ હિન્દુ ઓફ નોર્થ અમેરિકા નામના સંગઠને જણાવ્યું હતું કે ઓહિયોના ગ્રેટર ક્લેવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ પર હુમલો થયો હતો, તે સમયે પુજારી સહિતના લોકો મંદિરની અંદર હાજર હતા. જોકે કોઈને ઈજા નથી પહોંચી. સંગઠને જણાવ્યું હતું કે અમે સ્થાનિક મેયર કિમ થોમસને આવી ઘટનાઓ ના બને તે માટે યોગ્ય પગલા લેવા વિનંતી કરી છે.
સંગઠન દ્વારા મંદિરમાં તોડફોડની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી હતી. અન્ય એક સંગઠન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ હેટ ક્રાઈમનો મામલો હોઈ શકે છે, ભારતીયો અને હિન્દુ સમાજની સુરક્ષા માટે એજન્સીઓ દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ.
આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય અમેરિકનો દ્વારા નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ હિન્દુ હેરિટેજ મંથની પણ ઊજવણી ચાલી રહી છે. આ પહેલાં પણ અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગયા વર્ષે જ કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિર સંકુલની દિવાલો પર નફરતભર્યો સંદેશો લખવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter