ગાંધીનગરઃ ગુજરાતમાં ૨૧મી જૂને કંકણાકૃતિ સૂર્યગ્રહણ સમયે સવારે ૧૧ વાગ્યા પછી શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. વાદળોના કારણે ગ્રહણ નિહાળવામાં લોકોને થોડો વિક્ષેપ પડયો હતો. ખગોળમાં રસ ધરાવનારાએ સાવચેતીપૂર્વક સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. જ્યારે ધર્મમાં આસ્થા ધરાવનારાઓએ પૂર્ણપણે વિધિવિધાનનું પાલન કરીને સૂર્યગ્રહણનો સમય મંત્રજાપમાં વ્યતીત કર્યો હતો.
સવારે ૯-૫૭ મિનિટથી સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રના આવવાની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે સૂર્યનારાયણ ચંદ્રની છાયા તળે આવી ગયા હતા. સામાન્ય રીતે સવારે ૧૧ વાગ્યા પછી તો સૂર્ય મધ્યાહને આવી જવાની તૈયારીમાં હોય ત્યારે તેનું તેજ જુદું જ હોય. તેના બદલે આ સૂર્યગ્રહણના કારણે ૧૧ વાગતા સુધીમાં સૂર્યપ્રકાશ ઝાંખો થઈ ગયો હતો. ટેલિસ્કોપ પર ફિલ્ટર લગાવીને વિદ્યાર્થી અને યુવાવર્ગે કુતૂહલતાથી નિહાળ્યું હતું. રાજ્યમાં નાના-મોટા ધાર્મિક સ્થાનો બંધ રહ્યાં હતા, જ્યારે અરવલ્લીમાં શામળાજી વિષ્ણુ મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મંદિરો ગ્રહણમાં બંધ રહે છે. તેના બદલે અહીં મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હોવા પાછળનું કારણ જણાવતા મંદિર ટ્રસ્ટના મેનેજરે કહ્યું હતું કે, વર્ષોથી શામળાજી મંદિર ખુલ્લું રાખવાની પરંપરા છે. આ દિવસે ભગવાન સન્મુખ જપ-તપ કરવાથી હજારગણું પૂણ્ય મળતું હોય મંદિર ખુલ્લું રખાય છે.