કચ્છ – દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર

Tuesday 28th July 2020 07:00 EDT
 
 

સુરતઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે ૨૮મી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ૨૦ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે છેલ્લા ૬ કલાકમાં પારડી-ગણદેવી-ચીખલીમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ
નોંધાયોનું ૨૮મીએ જણાવાયું હતું. મંગળવારના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૧૯ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાંચ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ડાંગ જિલ્લાને જ કોરોકટ રાખ્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ૧૩ તાલુકામાં પણ વરસાદ નોંધાયો નથી.
કચ્છમાં મેઘમહેર
આખા રાજ્યમાં છૂટા છવાયા વરસાદ સાથે કચ્છમાં રવિવારથી શરૂ થયેલી મેઘરાજાની મહેર સોમવાર અને મંગળવારે અવિરતપણે ચાલુ જ રહી છે. રવિવારે રાત્રે ખડીર પંથકમાં બેથી પાંચ ઇંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ભુજ તાલુકાના ખાવડા પંથકમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. ખડીર વિસ્તારના ધોળાવીરામાં ૩ ઇંચ વરસાદ થતાં બંને ડેમ છલકાયા હતા. બાંભણકામાં ૪ ફૂટ પાણી આવ્યું હતું. ગઢડા, રતનપર અને જનાણના ડેમ પણ છલકાયા હતા. કલ્યાણપર, જનાણ, રતનપર, અમરાપર સહિતના ગામોમાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ પડયો છે. શિરાનીવાંઢ, લોદ્રાણી સહિતનાં ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. બીજી તરફ ભુજ તાલુકાના ખાવડા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ બપોરે ૩ વાગ્યાથી શરૂ થયેલા વરસાદમાં એકાદ ઇંચ પાણી પડયું હતું.
મધ્ય ગુજરાતમાં અમી છાંટણા
વડોદરા, દાહોદ અને આણંદ જિલ્લામાં ૨૫મી જુલાઈએ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. શનિવાર બપોર પછી ઉમરેઠ, આણંદ અને ખંભાત પંથકમાં વરસ્યા હતા. ઉમરેઠ પંથકમાં ૨૩મીએ વરસાદ પડતાં ઉમરેઠમાં ઠંડક છવાઈ હતી. આણંદ જિલ્લામાં ૨૩મીથી રોજ છૂટોછવાયો ધીમોથી મધ્યમ વરસાદ વરસે છે. જોકે ૨૩મીએ ઉમરેઠ પંથકમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ૨૫મી જુલાઈએ ચરોતરમાં ફરી પધરામણી કરી હતી. ઉકળાટ અને ગરમી બાદ શનિવારે મહુધામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાકોરમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. કઠલાલમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ
સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ મેઘસવારી ચાલુ રહી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દોઢ, બગસરા અને લાલપુરમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં ઝાપટાં પડયાં હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૩૪ મિમી અને કલ્યાણપુરમાં પ મિમી વરસાદ પડયો હતો. દ્વારકા અને ભાણવડમાં વરાપ રહ્યો હતો. રાજકોટ શહેરમાં બપોરના વરસાદના ભારે ઝાપટાં પડયાં હતાં. જૂનાગઢમાં ર મિમી, વિસાવદરમાં ર મીમી વરસાદ પડયો હતો. જામનગર જિલ્લામાં જામનગર ૪ મિમી, કાલાવડ ૪ મિમી, લાલપુરમાં ૧૦ મિમી વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં પોરબંદર ર મિમી, કુતિયાણા ૪ મિમી, રાણાવાવ ૬ મિમી વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં બગસરામાં ૧૪ મિમી અને બાબરામાં ૯ મિમી વરસાદ પડયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter