NRI લાયસન્સ માટે ઓનલાઈન અને કેશલેશનો ઉપયોગ હિતાવહઃ આરટીઓ

Wednesday 25th March 2020 09:30 EDT
 

ભુજઃ કોરોના વાઈરસનો ભય દેશની સાથે સાથે ગુજરાતમાં પણ વધી રહ્યો છે અને ખાસ તો વિદેશથી આવનારાઓની તપાસ કેન્દ્રસ્થાને છે ત્યારે જ્યાં લાયસન્સ માટે એનઆરઆઈ વર્ગનો વિશેષ ધસારો હોય છે તે ભુજની આરટીઓ કચેરીમાં આ મામલે હળવાશ જોવામાં આવી અને બિનનિવાસી ભારતીયોને એનઆરઆઈ લાસયન્સ અપાતા હોવાની ફરિયાદ તાજેતરમાં ઊઠી હતી. આરટીઓ કચેરી પરિસરમાં પણ અનેક લોકો સલામતીના ધારાધોરણ વિના જ એકત્ર થઈ રહ્યા હોવાની ફરિયાદ ૧૮મી માર્ચે ઊઠી હતી. દરમિયાન, ઈન્ચાર્જ આરટીઓએ એનઆરઆઈ, આવેદકોને તેઓ જ્યાં જાય ત્યાં હાથ સાફ કરાવી અને માસ્ક પહેરાવીને જ એનઆરઆઈ લાયસન્સની કાર્યવાહી કરવામાં આવતી હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આરટીઓની મોટાભાગની સેવા હવે ઓનલાઈન થઈ જ ગઈ છે તેથી ઘરે બેઠાં જ સેવાનો લાભ લેવો અને કચેરીએ આવવાનું ટાળવું એવી સલાહ આપી હતી.
કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, ભુજની આરટીઓ કચેરીમાં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. એજન્ટોએ જણાવ્યું કે, સ્ટાફે તો માસ્ક પહેર્યાં હોય છે, પરંતુ સેવા લેવા માટે આવતા લોકો માટે કોઈ સલામતીની વ્યવસ્થા કે ધારાધોરણો ન હોવાથી મોટા વર્ગ સામે જોખમ સર્જાઈ શકે છે. ખાસ કરીને એનઆરઆઈ લાયસન્સ માટે દરરોજ સરેરાશ ૩૦ બિનનિવાસી ભારતીય આવતા હોય છે. કોરોનાના ભય વચ્ચે આ પ્રકારે ભીડ થવી તે આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય લાગતી નથી.
કેટલાકે જણાવ્યું કે, સામાન્ય રીતે હાલમાં વિદેશથી આવતા લોકો અંગે દેશમાં ચેકિંગની વ્યવસ્થા દરેક જગ્યાએ છે જ્યારે ભુજની આરટીઓ કચેરીમાં કોણ ક્યાંથી અને ક્યારે આવ્યું તેની માહિતી પણ મેળવી શકાતી નથી. કચેરીમાં થર્મલ સ્કીનિંગ જેવી પણ કોઈ વ્યવસ્થા નથી.
કેટલાકે એવી ફરિયાદ કરી હતી કે, પોતાના કામ માટે સેકંડો અરજદારો દિનભર સેવા કેન્દ્ર સહિત આરટીઓમાં એકત્રિત થાય છતાં તંત્ર તરફથી કોઈ તકેદારીના પગલાં લેવાતાં નથી.
જોકે આરટીઓના ઈન્ચાર્જ ઓફિસર સી. ડી. પટેલે એનઆરઆઈ વર્ગના લોકો માટે હાથ ધોવા સેનેટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, કચેરી પાસે થર્મલ સ્ક્રીનિંગનું સાધન નથી, પણ અરજદારોના સ્વાસ્થ્યને ધ્યાને લઈને સેનેટાઈઝર અને માસ્ક જેવી સુવિધાઓ પહેલેથી છે, પણ આરટીઓમાં મોટી સંખ્યામાં હાજર રહેવા કરતાં ઓનલાઈન અને ફેસલેસ સુવિધાનો ઉપયોગ જ હિતાવહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter